
હાલમાં ચાલી રહેલી મતદારયાદી સુધારણાની કામગીરીમાં 72 ટકાથી વધારે પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે. તેમાં બીએલઓ અને સહાયક બીએલઓ તરીકે કામગીરી શિક્ષકો હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષના બીજા સત્રમાં પ્રાથમિક શિક્ષકોને ત્રણ પ્રકારની તાલીમ આપવાની હતી. ડાયટ દ્વારા આપવાની ત્રણ તાલીમોને હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી હોવાનું રાજ્યના શિક્ષણ વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.
મતદાર યાદી સુધારણાની કામગીરી કરી રહેલા પ્રાથમિક શિક્ષકો શાળામાં હાજર નહી રહેવાની સાથે સાથે કામગીરી કરી રહ્યા છે. ત્યારે બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ શાળાઓમાં શૈક્ષણિક કાર્યને લૂણો લાગ્યો હોય તેમ ઠપ થઇ ગયું છે. તેની પાછળ પ્રાથમિક શાળાના મોટાભાગના શિક્ષકોને બીએલઓ અને સહાયક બીએલઓની સોંપાયેલી કામગીરી જવાબદાર છે. ત્યારે બીએલઓ અને સહાયક બીએલઓની કામગીરી વચ્ચે પ્રાથમિક શિક્ષકોને આપવાની થતી ત્રણ તાલીમોને હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી છે.
ડાયટ દ્વારા ધોરણ-1 અને 2ના શિક્ષકોને પ્રજ્ઞાની તાલીમ આપવાની હતી. ઉપરાંત દર શનિવારે યોજવામાં આવતા બેગ લેસ ડેની પણ તાલીમ આપવાની હતી. વધુમાં શિક્ષકોને હેલ્થની પણ આપવાની થતી તાલીમ પણ હાલ પૂરતી મોકુફ રાખવાનો આદેશ કરાયો છે. પ્રાથમિક શિક્ષકોની મોકુફ રાખેલી ત્રણ તાલીમોની તારીખ આગામી સમયમાં નક્કી કરીને જાહેર કરવામાં આવશે.