કલોલ અંબિકા પાસે હાઇવેપર ક્રોસ કરવાનો ફૂટ ઓવર બ્રિજ જર્જરિત થયો

Spread the love

 

કલોલ અંબિકા પાસે હાઇવે ક્રોસ કરવા માટે બાનાવાયેલો ફુટ ઓવર બ્રિજ ખખડી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજ ઉપરના પતરા ઉખડી ગયા હોવાથી નીચે ધસમસતા વાહનો દેખાતા પગપાળા જતા રાહદારીઓમાં ભયનો માહોલ પ્રવર્તે છે. બાળકો અને મહિલાઓ તેમજ વૃધ્ધો તો આ ફૂટ બ્રિજ ઉપરથા પસાર થવાનું ટાળી રહ્યા છે અને જોખમી હાઇવે પગપાળા ક્રોસ કરવાનું જોખમ વેઠી રહ્યાં છે.
હાઇવે ઓથોરિટી સહિતની એજન્સી આ બાબતે જાણકારી ધરાવતી હોવા છતાં કોઇ સમારકામ હાથ ધરવામાં આવતુ નથી. તેના કારણે કલોલ શહેર સહિતના બ્રિજ ઉપરથી પસાર થતા કેટલાક લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે સંપૂર્ણ ખાડે ગયેલુ તંત્ર કોઇ જીવલેણ અક્સમાતની પ્રતિક્ષા કરી રહ્યું છે કે શું..કોઇનો જીવ લેવાઇ ગયા પછી લાખોના ખર્ચે મરામત કરવામાં આવે તો શુ ભોગ બનેલા વ્યક્તિના પરિવારને થયેલુ નુક્સાન તંત્ર ભરપાઇ કરી આપશે. તેવા પેચિદા પ્રશ્નો લોકોમાં ચર્ચાએ ચઢ્યા છે.
વિગત એવી છે કે કલોલના અંબિકા બસ સ્ટેન્ડથી હાઇવેના સામા છેડે જવા-આવવા માટે વર્ષો અગાઉ મોટા ઉપાડે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. તેની ઉપર જવા માટે પગથિયા ચઢવા ના પડે એટલા માટે એસ્કેલેટરની સુવિધા પણ લાખોના ખર્ચે ઉભી કરવામાં આવી હતી. પણ એસ્કેલેટર બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન બની ગયુ છે.
છેલ્લા ઘણાં સમયથી ફુટઓવર બ્રિજના પતરા ખખડધજ હાલતમાં થઇ ગયા છે. ઘણી જગ્યાએ પતરાની કિનારીઓ તૂટી ગઈ છે. તેના કારણે નીચે સ્પષ્ટ રીતે હાઇવે દેખાઈ રહ્યો છે. જેને કારણે ત્યાંથી પસાર થતા લોકોમાં ગાબડુ પડવાથી નીચે પડી જવાની દહેશત પ્રવર્તે છે. બ્રિજ પરથી પસાર થતી વખતે ધૂમ ધડાકા જેવા બિહામણા અવાજ પણ આવે છે. જેને કારણે રાહદારીઓ ગભરાઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *