
સચિવાલયથી મહાત્મા મંદિર સુધી 5.5 કિમીની મેટ્રો રેલ સેવા જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાનના હસ્તે પ્રારંભ કરાશે. રાજ્યના પાટનગરમાં મેટ્રો રેલ સેવા ફુલ ફેજમાં શરૂ થવાથી વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, નગરવાસીઓને ટ્રાફિક સમસ્યા વિના ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ મળશે. તેમાંય વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને વધારે અપડાઉનમાં વધારે રાહત રહેશે. સાડા પાંચ કિમીના મેટ્રો રેલમાં પાંચ સ્ટેશનની સુવિધા લોકોને મળી રહેશે.
નગરવાસીઓને છેલ્લા દોઢેક વર્ષ અગાઉ સેક્ટર-1ના સ્ટેશન સુધી આવેલી મેટ્રો રેલ સેવા ન્યુ ગાંધીનગર વિસ્તાર, ગીફ્ટસીટી, પીડીપીયુ, જેએનલએલયુ સહિતને આવરી લીધા હતા. ત્યારબાદ સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી સચિવાલય સુધી લંબાવવામાં આવી હતી. જોકે દોઢ વર્ષમાં મેટ્રો રેલ સેવા સચિવાલય સુધી આવી હતી. તે જાન્યુઆરી-2026ના બીજા સપ્તાહમાં મેટ્રો રેલ સેવા ગાંધીનગરમાં ફુલ ફેજમાં ચાલુ થઇ જશે. એટલે મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ સેવા ચાલુ કરવામાં આવશે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના 5.5 કિમીના મેટ્રો રેલ સેવાને શરૂ કરવાથી રસ્તામાં આવતા પાંચ મેટ્રો સ્ટેશનનો લાભ વિદ્યાર્થીઓ, નોકરીયાતો, નગરવાસીઓને મળી રહેશે.
જોકે મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ લાઇન નાંખીને તેની ઉપર અત્યાર સુધીમાં ચારેક વખત ટ્રાયલ પણ લેવામાં આવ્યો છે. ત્યારે હવે ફાયનલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે. તે પહેલાં મેટ્રો રેલ લાઇનમાં ફંક્શન પાવર, રોલીંગ ચેકિંગ, ઇલેક્ટ્રીકલ સપ્લાય સહિતના ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે નગરવાસીઓને વર્ષ-2026ના પ્રારંભમાં જ મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ સેવાનો લાભ મળી જશે.
મેટ્રો રેલ સેવા મહાત્મા મંદિર સુધી ફુલ ફેજમાં શરૂ કરવાથી એક પ્રવાસન સ્થળ અક્ષરધામ, સેક્ટર-28 ગાર્ડન, દાંડી કુટીર, કડી યુનિવર્સિટી, માઉન્ટ કાર્મેલ સ્કુલ, સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ, પોલીટેકનીક કોલેજ, ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને લાભ મળશે. વધુમાં જુના સચિવાલયની સેક્ટર-15, સેક્ટર-16 સહિતમાં આવેલી અંદાજે 40 જેટલી કચેરીઓના કર્મચારીઓને લાભ મળશે.
20 સેક્ટરો અને 3 ગામોને લાભ મળશે
5.5 કિમી વિસ્તારમાં આવતા આસપાસના 20 સેક્ટરોના લોકોને લાભ મળશે. ઉપરાંત આદિવાડા, બોરીજ, ફતેપુરા ગામના લોકોને પણ તેનો લાભ મળશે. કુલ-20 સેક્ટરની અંદાજિત કુલ- 18000 વસ્તીને ટ્રાફિકની ઝંઝટ વિના વધુ એક ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ મળશે.મેટ્રો રેલના પાંચ સ્ટેશનોમાંથી દરરોજના પ્રારંભમાં અંદાજે 200 જેટલા મુસાફરો લાભ લેશે. આથી વધુ એક ટ્રાન્સર્પોટેશન સેવા શરૂ થવાથી રાહત રહેશે
સીએમઆરએસનું ઇન્સ્પેક્શન આગામી માસમાં
સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવા જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પ્રારંભ વડાપ્રધાનના હસ્તે કરાશે. તે પહેલાં કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી ઇન્સ્પેક્શન આગામી માસમાં યોજાશે. ઇન્સ્પેક્શનમાં ઓબ્જર્વેશનમાં રજુ કરેલા જરૂરી સુચનાઓનું પાલન કર્યા બાદ સેફ્ટી ક્લિયરન્સ આપવામાં આવશે. સેફ્ટી ક્લિયરન્સ આપ્યા બાદ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ સેવા લોકો માટે શરૂ કરાશે.