




કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી હતી. આજે આ યાત્રા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં તેને પોલીસ પરિવારની મહિલાઓએ રોકીને વિરોધપ્રદર્શન કર્યું હતું. દરમિયાન મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જિજ્ઞેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસનાં મહિલા અને પુરુષ કાર્યક્રરોએ પણ સામે દારૂના વેચાણ સામે નારા લગાવ્યા હતા. પ્રાંતિજ તરફ આગળ વધતી જન આક્રોશ યાત્રા ટાવરથી રેલવે ઓવરબ્રિજ પર થઈને મહાવીરનગર ચાર રસ્તે પહોંચી હતી. અહીં પોલીસ પરિવારની મહિલાઓએ બેનરો સાથે વિરોધપ્રદર્શન શરૂ કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓએ આખી યાત્રાને ચારે તરફથી ઘેરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓને વિરોધ કરતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. હિંમતનગર ખાતે આવી પહોંચેલી આ યાત્રામાં તુષાર ચૌધરી અને અમિત ચાવડા જેવા કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા. યાત્રા જિલ્લા પોલીસવડા કચેરી પાસેથી પસાર થઈને શહેરના નવા બજારમાં પ્રવેશી હતી. ત્યાર બાદ યાત્રા હિંમતનગરના ટાવર ચોકમાં પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

21 નવેમ્બરે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂ અને ડ્રગ્સ મુદ્દે ત્યાંના સ્થાનિકો સાથે વિરોધપ્રદર્શન કર્યું હતું, જેમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે પોલીસ પરના વિવાદિત નિવેદનને લઇને હિંમતનગરમાં પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો. હિંમતનગરના આંબાવાડી વિસ્તાર પાસે આવેલા પોલીસ ક્વાર્ટર્સથી અહિંસા સર્કલ સુધી પોલીસપરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો. 21 નવેમ્બરે થરાદના શિવનગર વિસ્તારની મહિલાઓએ દારૂના વેચાણ સામે વિરોધપ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં આ મહિલાઓએ જિલ્લા પોલીસ અધીક્ષક (SP) કચેરીએ રજૂઆત કરી હતી. વાવ-થરાદ જિલ્લા SP કચેરી ખાતે આ રજૂઆત કરવામાં આવી હતી. શિવનગર વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ધારાસભ્ય સાથે SPને મળ્યાં હતાં. આ પ્રસંગે વડગામના ધારાસભ્ય મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના અનેક આસ્થાના પ્રતીક સમાન મંદિરો, જેવા કે અંબાજી, વડતાલ સ્વામિનારાયણ, સાળંગપુર હનુમાન, સોમનાથ અને દ્વારકા મંદિરોની બેથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં પણ ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે છે. શિવનગર વિસ્તારમાં બૂટલેગરો બેફામ બન્યા છે અને દારૂની હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે, જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા છે. આ દરમિયાન તેમણે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.