
અમદાવાદની સાબરમતી નદીમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનો લોકોએ જીવ બચાવ્યો છે. વાડજના દધીચિબ્રિજ પર ગઇકાલે(25 નવેમ્બર) રાત્રે એક યુવક બ્રિજની રેલિંગ કૂદીને નદીમાં આપઘાત કરવાનો પ્રયાસ કરવા જતો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો હતો. યુવક બ્રિજની પાળી પર લગાવેલી જાળી ક્રોસ કરી નદીમાં કૂદવા જ જતો હતો. આ દરમિયાન હાજર લોકોએ તેને પકડી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી, જોકે ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં ત્યાંથી પસાર થતા એક JCBને હાજર લોકોએ બ્રિજની નજીક લાવી તેના પર ચડીને યુવકને ઉપર ખેંચી બચાવી લીધો હતો. શહેરના વાડજ વિસ્તારમાં સાબરમતી નદી પર આવેલા દધીચિબ્રિજ ઉપર ગઈકાલે રાત્રે 8:45 વાગ્યાની આસપાસ એક યુવક બ્રિજની રેલિંગ ઉપર ચડીને બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરવા જતો હતો. આ દરમિયાન બ્રિજ ઉપરથી પસાર થતા લોકોએ તે યુવકને તરત જ પકડી લીધો હતો. આ દરમિયાન જીવ સટોસટનાં દૃશ્યો સર્જાયાં હતાં. એક તરફ નદીમાં બ્રિજની જાળી પર આપઘાતનો પ્રયાસ કરનાર યુવક લટકી રહ્યો હતો તો બીજી તરફ બ્રિજ ઉપર તેને બચાવનાર લોકો યુવકને પકડીને ઊભા હતા. જો યુવક કોઈપણ રીતે પોતાની જાતને છોડાવી નદીમાં કૂદી ગયો હોત તો કોઈ અઘટિત ઘટના બની જાત.
યુવક નદીમાં કૂદી ના જાય એ માટે લોકોએ તેને કપડાં વડે બાંધી દીધો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો પણ બે ઘડી થંભી ગયા હતા અને મદદે આવ્યા હતા. દધીચિબ્રિજ પર અફરાતફરીની સ્થિતિ વચ્ચે લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. આ દરમિયાન કેટલાક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી. જેવી જાણ થઈ એવી તરત જ એક રેસ્કયૂ બોટને તાબડતોડ દધીચિબ્રિજ તરફ રવાના કરાઈ હતી. એક તરફ યુવક નદીની ઉપર જાળી પર લટકી રહ્યો હતો, તો બીજી તરફ બ્રિજ પર ઊભેલા લોકો તેને કોઈપણ રીતે પકડી રાખ્યો હતો, પરંતુ આ સ્થિતિ લાંબી ચાલે એમ નહોતી. આ દરમિયાન બ્રિજ પરથી એક JCB જાણે કે ભગવાને મોકલ્યું હોય એમ પસાર થાય છે.
ત્યાં હાજર કેટલાક લોકોએ સમય સૂચકતા વાપરી ફાયરબ્રિગેડની રાહ જોયા વિના JCBને રોકી તેની મદદથી યુવકને બચાવવાનો નિર્ણય લીધો. JCBનો આગળનો ભાગ બ્રિજની રેલિંગ પર હોય એવું વીડિયોમાં જોઈ શકાય છે. બાદમાં JCB પર ત્રણ યુવક ચડે છે અને એક યુવક જીવના જોખમે બ્રિજની રેલિંગ પર ચડે છે. આમ સાવચેતીપૂર્વક યુવકને પકડી રેલિંગ કુદાવી બ્રિજ તરફ લાવવામાં આવે છે. યુવક સહીસલામત બ્રિજ પર આવતાં જ ત્યાં હાજર લોકોનાં ટોળાએ જીવના જોખમે રેસ્કયૂ કરનાર યુવકોને તાળીઓથી વધાવી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં કૂદીને લોકો આપઘાત ન કરે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર આવેલા તમામ બ્રિજ ઉપર રેલિંગ લગાવવામાં આવી છે છતાં પણ કેટલાક લોકો રેલિંગના ઉપર ચડીને ત્યાંથી નીચે નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરે છે. અગાઉ પણ દધીચિબ્રિજ ઉપર આ જ પ્રમાણે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી, તથા કેટલાક લોકો કૂદી ગયા હોય એવા બનાવ પણ સામે આવ્યા છે.