
રાજ્યમાં પ્રથમ ડિજિટલ એરેસ્ટ દ્વારા ખેડૂતને કરોડો રૂપિયાના ફ્રોડની ધમકીથી આપઘાત કેસમાં પોલીસે બે આરોપીને દબોચી લીધા છે. ડભોઈના કાયાવરોહણ ગામે રહેતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલે આપઘાત કરી લીધો હતો. ખેડૂતને રૂપિયા 40 કરોડનું ફ્રોડની ધમકી આપી ડરાવ્યા હતા. આ મામલે ડભોઇ પોલીસે આખરે ફરિયાદ નોધી બે આરોપીઓને પકડી લીધા છે. 17 નવેમ્બરના રોજ વડોદરા જિલ્લાના કાયાવરોહણના કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને ભેજાબાજોએ દિલ્હી ATSના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યાર બાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા. સતત દબાણ અને ભયને કારણે અતુલભાઈએ સોમવારે(17 નવેમ્બર) વહેલી સવારે 5 વાગ્યે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ(ATS)નો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.
મૃતકના ભત્રીજા અંશ પટેલે જણાવ્યું હતું કે હું કાયાવરોહણ ગામમાં રહું છું. અમારા કાકા આજે અમારી વચ્ચે નથી રહ્યા, તેઓ ખેતી કરતા હતા. ત્રણ દિવસથી તેઓ બેચેન રહેતા હતા. કોઈને કશું કહેતા નહોતા. અમારા લાખ પૂછવા છતાંય તેમણે કોઈને કશું કીધું નહોતું. તેમના મિત્રોએ પણ બહુ પૂછ્યું, તેમને પણ કશું ના કીધું. પછી સોમવારે સવારે 5 વાગ્યે તેમણ દવા પી લીધી હતી, જેથી અમે તેમને દવાખાને લઈ ગયા હતા. મંગળવારે સવારે તેમનું મોત થયું હતું. સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે. મારા કાકાએ જે પ્રકારે આત્મહત્યા કરી છે એ પ્રકારે કોઈ આત્મહત્યા ન કરે, એવી લોકોને હું અપીલ કરું છું. સાયબર ઠગો દર 5 મિનિટે કોલ કરતા, ઘરની બહાર નીકળતા નહીં, કહીને ધમકાવતા હતા, જોકે પછી કાકાએ મને એકલાને બોલાવી કહ્યું હતું કે ‘દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે’. તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5-5 મિનિટે વ્હોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરવામાં આવતો હતો. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં ડિજિટલ એરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે, એટલે કે એક દિવસમાં 200 કેસ. ત્રણ વર્ષ દરમિયાન લોકોએ 2,575 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ઉપરાંત છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારનાં સાઇબર ફ્રોડમાં લોકોએ 2,746 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
આ સ્કેમથી બચવા માટે શું કરી શકાય?ઃ
જ્યારે આ પ્રકારનો કોલ મળે છે ત્યારે તરત જ 1930 પર કોલ કરો અને સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે કોઈપણ પોલીસ આ રીતે ડાયરેક્ટ ક્યારેય કોઈપણ વ્યક્તિનો સંપર્ક કરતી નથી. આ પ્રકારની ઘટનામાં ક્યારેય પણ ભયમાં મુકાયા વગર સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને આવા ઠગબાજોથી બચવું જોઈએ. કોઈપણ વ્યક્તિ જ્યારે નકલી પોલીસ ઓફિસર બનીને તમને વ્હોટ્સએપ કોલ કરે છે ત્યારે તમારે ખાસ કરીને ચેતી જવું જોઈએ અને તેમને કહેવાનું કે તમે જ્યાં છો ત્યાં અમે આવીએ છીએ… ત્યારે તેઓ સામેથી કોલ કાપી દેશે. જ્યારે તમારું કુરિયર આવ્યું છે અને એમાં ડ્રગ્સ છે એવો કોઈપણ કોલ આવે તો એ બાબતે ધ્યાન ન આપવું જોઈએ. આ સાથે જ જે ઠગ છે તેઓ કોઈપણ લિંક કે સ્કાઇપ જેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવે તો એ ન કરવી જોઈએ. જ્યારે ઠગબાજ તમારું આધારકાર્ડ અને પાનકાર્ડ માગે તો તેમને ન આપવું, વીડિયો KYCમાં ક્યારેય પણ તમારો ચહેરો ન બતાવો જોઈએ. આવો કોલ આવે છે ત્યારે તેમની તમામ માહિતી ભેગી કરી 1930 પર કોલ કરી તરત જાણ કરવી જોઈએ. જ્યારે સાયબર ગઠિયાઓ તમને ઠગે એ પહેલાં થયેલી ચેટ મોકલેલા ફોટોઝ જે કંઈ પુરાવા હોય એનો સ્ક્રીનશોટ લઈ રાખવો જોઈએ, જેથી તેઓ ડિલિટ કરે તો આપણે પોલીસને જાણ કરી શકીએ. મોટા ભાગના સાયબર ક્રાઈમ માટે ત્રણ બાબત સૌથી મહત્ત્વની અગત્યની છે, જેમાં પ્રથમ ડર બતાવે છે, ત્યાર બાદ લાલચ આપે છે. આ બાબતથી આપણે દૂર રહીએ તો આવા સ્કેમથી આપણે બચી શકીએ છીએ.