
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી ‘રાષ્ટ્રીય એકતા યાત્રા’નો શુભારંભ થયો છે. આ ઐતિહાસિક યાત્રાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા છે. બંને મુખ્યમંત્રીઓ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સંપન્ન થશે. કાર્યક્રમની શરૂઆત પહેલાં વીવીઆઈપી મહેમાનોએ કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. જે બાદ મહેમાનો આણંદ નજીક વિધાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં જનસભામાં પહોંચ્યા છે. અહીંથી મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ વર્ચુઅલ્લી રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યુ છે.. સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પદયાત્રા આગળ વધશે. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સરાદાર સાહેબ કહેતા કે દેશ માટે કામ કરવાથી બીજો કોઇ આનંદ ન હોઇ શકે. એ રીતે વડાપ્રધાન મોદીએ પણ કોઇપણ રજા રાખ્યા વગર પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કર્યું છે. એવી રીતે આપણે પણ આત્મનિર્ભર ભારત માટે કામ કરવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા કેવડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉભી કરાવી છે. સરદાર સાહેબે જેમ એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું જોયું હતું એ સપનાને વડાપ્રધાન મોદી પુરુ કરી રહ્યા છે. સરદાર સાહેબે શ્રમિકો અને ખેડૂતો માટે લડ્યા હતા એમ મોદી સાહેબ પણ એમના રસ્તે લોકોના કામ કરી રહ્યા છે. પેરા ઓલમ્પિક પ્લેયર માનસી જોશીએ જણાવ્યું કે, મને આનંદ છે કે મને આ યુનિટી માર્ચમાં ભાગ લેવાનો મોકો મળ્યો. સરદાર પટેલની 150મી જન્મજયંતિમાં ભાગ લેવાનો મને મોકો મળ્યો એ મારૂ નસીબ છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરથી આવેલા યુવકે જણાવ્યું કે અમે મોટી સંખ્યામાં અહીં આવ્યા છીએ. આ ઐતિહાસિક યાત્રામાં જોડાવાનું અમે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતે અલગ જ અંદાજમાં અમારુ સ્વાગત કર્યું છે. સરદાર સાહેબે જે દેશ માટે કર્યું એમની યાત્રામાં જોડાવું એ દરેક વ્યક્તિ માટે લ્હાવા સમાન હોય છે.