
ગાંધીનગરના માણસાની રહેવાસી અને BSC, MSC સુધીનો ઉચ્ચ અભ્યાસ કરનારી પત્નીને લગ્નજીવનના દોઢ વર્ષમાં જ પતિએ પોતાનો રંગ બતાવ્યો. ગેસ્ટહાઉસ ખોલવાના સપના પુરા કરવા 15 લાખ દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી તરછોડી દીધી. જે મામલે પરિણીતાએ માણસા પોલીસ મથકના ચોપડે પતિ સહિત પાંચ સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. માણસા ખાતે હાલમાં પિયરમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન ઓક્ટોબર 2023ના રોજ બહુચરાજી રાવળ વાસમાં રહેતા યુવક સાથે સમાજના રિત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતા તેના પતિ સંજય, સસરા, સાસુ અને બે નણંદો સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી.
આ લગ્નજીવન માંડ એક મહિનો ચાલ્યો ત્યાં જ પતિ પોત પ્રકાશી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મારે બહુચરાજીમાં ગેસ્ટહાઉસ બનાવવું છે, જેથી તું તારા માતા-પિતા પાસેથી મને પંદર લાખ રૂપિયા લાવી આપ. આમેય તારા માતા-પિતાએ તને કરિયાવરમાં કંઈ આપ્યું નથી. જો કે પરણિતાએ પોતાના પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પૈસા લાવવાની ના પાડી ત્યારે પતિએ આ વાતનું મનદુઃખ રાખી ઝઘડા કરવાનું અને ગાળો બોલી મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. આ બાબતે જ્યારે સાસુ, સસરા અને બંને નણંદોને ફરિયાદ કરી ત્યારે સાસરિયાંઓએ પતિનો પક્ષ લઈ તેણીને જેમ ફાવે તેમ બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા.
ચોથી ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે પતિ, સાસુ-સસરા અને નણંદોએ ભેગા મળીને ફરીથી પંદર લાખ રૂપિયા બાબતે ઝઘડો કરી “તું તારા બાપાના ઘરેથી જ્યાં સુધી પૈસા નહીં લાવે ત્યાં સુધી ઘરમાં રાખવાની નથી” તેમ કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરણિતા પિયર રહેવા આવી ગઈ હતી. ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પણ પતિએ તેણીનો પીછો છોડ્યો નહીં. ગઈ તા. 21 ઓગસ્ટે તે લોદરા ગામ ખાતે દવા લેવા ગઈ ત્યારે પણ ત્યાં જઈને પતિએ જાહેરમાં 15 લાખની માંગણી કરી ગાળો બોલતાં હોબાળો થયો હતો. આ બાબતે પિયર પક્ષના પરિવારે સમાધાનના પ્રયત્નો કર્યા હોવા છતાં સાસરિયાઓ સહમત થયા ન્હોતા. આખરે માણસા પોલીસ મથકમાં પરિણીતાએ પતિ સહિતના પાંચ સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.