ગાંધીનગરમાં સેક્ટર ૧થી ૮ સુધીના એપ્રોચ રોડને ફોરલેન બનાવાશે
GMC દ્વારા ટૂંક સમયમાં તે માટેનું ટેન્ડર ફાઇનલ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે, ચોમાસામાં જર્જરિત બનેલા રોડના મરામતના કામો ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરાશે, શહેરના તમામ રસ્તાઓને સુશોભિત પણ કરાશે

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં હાલ માર્ગ સુધારણાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજી તરફ શહેરના સેક્ટરોના રીંગ રોડ-એપ્રોચ રોડને ફોરલેન બનાવવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં તે માટેનું ટેન્ડર ફાઈનલ કરીને કામગીરી શરૂ કરવામાં આવશે. જોકે, આ માટે હાલ ચાલી રહેલી રીસફેસીંગની કામગીરી ચાલુ રખાશે અને તે પછી ફોરલેનનું કામ હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અગાઉ તમામ સેકટરોને મુખ્ય માર્ગો સાથે જોડતા સેકટર દીઠ ૪ એપ્રોચ રોડ પહોળા અને સુશોભિત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. અનેક સેકટરોમાં આ પ્રકારે ફોરલેન રોડ બનાવી દેવામાં આવ્યા હતા પરંતુ તે પછી કામગીરી અટકી ગઇ હતી. હવે બાકી રહેલા સેક્ટરોમાં ફરી આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ સેક્ટર-૧થી ૮માં તમામ એપ્રોચ રોડને આવરી લેવામાં આવશે. તે પછીના તબક્કામાં બાકી સેક્ટરોમાં પણ કામગીરી હાથ ધરવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ પાટનગરમાં ચોમાસા દરમિયાન અને પાણી-ગટરલાઇનના ખોદકામને
કારણે બિસ્માર બનેલા રસ્તાના મરામતના કામો ચાલી રહ્યા છે. આ કામગીરી ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ કામગીરી ચાલું રખઆશે પરંતુ સેક્ટર-૧થી ૮માં એપ્રોચ રોડ ફોરલેન બનાવવાનો હોવાથી તેમાં છેલ્લું લેયર બાકી રાખવામાં આવશે અને ફોરલેનની કામગીરી સાથે સાથે તેમાં ફાઇનલ લેયરનું કામ પૂર્ણ કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં આ એપ્રોચ રોડને આરસીસી એટલે કે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનું પણ આયોજન વિચારણા હેઠળ છે. સેક્ટરોમાં વારંવાર રસ્તા તૂટવાની સમસ્યા અને ફરિયાદો ઉઠવા પામતી હોવાથી તે નિવારવા આરસીસી રોડ બનાવવાનું વિચારાઈ રહ્યું છે.
ગાંધીનગરમાં સેક્ટર-૪ અને સેકટર-૬માં રસ્તા બનાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ બે સેકટરમાં કુલ ૮૪૬ મીટરની લંબાઈના રસ્તા બનાવાયા હતા, જેમાં કુલ ૪૬૯.૬૬ ટન ડામર મિશ્રણનો ઉપયોગ થયો હતો. સેક્ટર-૪માં ૩૨૮ મીટર રોડનું કામ થયું હતું, જેના માટે ૨૫૩.૩૪ ટન ડામર વપરાયોનો ઉપયોગ કરાયો હતો. જ્યારે સેક્ટર-૯ માં ૫૧૮ મીટરની લંબાઈના રસ્તા પર ૨૧૬.૩૨ ટન ડામર વપરાયો હતો.