ગુજરાતના હાઈવેઝ બનશે ટનાટન…કેન્દ્ર સરકાર 20 હજાર કરોડ આપશેઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત

Spread the love

 

ગુજરાતમાં હાઈવે અને નેશનલ હાઈવેની હાલત ખખડધજ થઈ ગઈ છે. કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ભુપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવે પર 35 ટકા કરતાં વધુનાં વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતિકરણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી.

મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે રૂ. 20 હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એવી ખાતરી આપી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ બેઠકમાં ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ-જેતપુર તથા અમદાવાદ-ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરાં થાય તે બાબતે પણ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં એનઅચએઆઈ અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે.

આજે નીતિન ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે છે. તેઓએ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા અને સુરત જિલ્લાના બે નેશનલ હાઈવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા કરી હતી..

ગડકરી કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેની પ્રગતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ સઘન નિરીક્ષણ કાર્યક્રમમાં એનએચ-53 અને એનએચ-48ના લગભગ 100 કિલોમીટરના રોડનું નિરીક્ષણ સામેલ છે, જ્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 200 કિલોમીટરના ભાગનું તેઓ હેલિકોપ્ટર મારફતે એરિયલ સર્વે કરશે. આ પ્રવાસનો હેતુ માત્ર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવાનો નથી, પરંતુ તેમાં આવતી સમસ્યાઓ અને સ્થાનિક ફરિયાદોનો સ્થળ પર જ ઉકેલ લાવવાનો પણ છે.

નીતિન ગડકરી સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાસ અધિકારીઓ જોડાયા હતા. મંત્રી ગડકરીનો આ અભિગમ જમીની હકીકત જાણવા માટેનો હતો, જ્યાં તેઓ ઓફિસમાં બેસીને નહીં પણ રોડ પર વાહન ચાલકો જેવો અનુભવ મેળવીને રોડની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *