દીકરાના લગ્ન સમયે જ વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર, મની લોન્ડ્રિંગ સહિતના કેસમાં ડિજિટલ અરેસ્ટ કરવાનું કહી 7 લાખ પડાવ્યાં

Spread the love

 

નવરંગપુરામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. વૃદ્ધને બીભત્સ ફોટા, ચાઇલ્ડ પોનોગ્રાફી, બીભત્સ મેસેજ, 126 કરોડના કૌભાંડ, મની લોન્ડરીંગ અને દેશ વિરોધી ગતિવિધિઓમાં નામ ખુલ્યું હોવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ ઓર્ગન ડોનર કરનારના અંગો ચાઇના જેવા દેશોમાં વેચી કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના કેસમાં સંડોવાયેલા હોવાનું કહી વૃદ્ધને ડરાવવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી IPS ઓફિસર અને RBI ઓફિસરની ખોટી ઓળખ આપી વ્હોટ્સએપ કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરવાનું કહી વૃદ્ધ પાસેથી 7.14 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. વૃદ્ધ પાસેથી વધુ રૂપિયાની માંગણી કરતા સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. નવરંગપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધને અજાણ્યા નંબર પરથી વ્હોટસએપ કોલ આવ્યો હતો, જેમાં અજાણ્યા શખસે jio કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહી મોબાઈલ નંબર બંધ કરવાની વાત કરી હતી. બીભત્સ ફોટા, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, બીભત્સ મેસેજ જેવા કેસમાં નામ ખુલ્યું હોવાનું કહી વૃદ્ધ પર ગુસ્સો કર્યો હતો. 126 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા છો અને દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા હોવાનું કહી ધમકાવવામાં આવતા વૃદ્ધ ગભરાઈ ગયા હતા. જેથી વૃદ્ધે આમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો જણાવવા મદદ માંગી હતી. જે બાદ અજાણ્યા શખ્સે મુંબઈ પોલીસ સાથે ફોન કનેક્ટ કરાવી આપ્યો હતો.જે બાદ શંકર પાટિલ નામના વ્યક્તિએ વ્હોટ્સએપ કોલ કર્યો હતો, જેમાં પોલીસ યુનિફોર્મ પહેરેલો હતો, માથા ઉપર યુનિફોર્મની ટોપી હતી અને પાછળના ભાગે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ લખેલું બોર્ડ મૂકેલું હતું. તેમજ ટેબલ પર જુદા જુદા ફોર્મ પડ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. જે બાદ શંકર પાટિલ નામના વ્યક્તિએ આ બધા કેસમાંથી બહાર નિકળવા સિનિયર ઓફિસર સાથે વીડિયો કોલ કનેક્ટ કરી આપ્યો હતો. જ્યાં સિનિયર IPS ઓફિસરની ઓફિસ હોય તેવું સેટ અપ ગોઠવેલું હતું.
જે બાદ ઓફિસમાં IPS ઓફિસરનો યુનિફોર્મ પહેરેલા એક વ્યક્તિએ વીડિયો કોલમાં વૃદ્ધ સાથે વાતચીત કરી હતી. આધારકાર્ડ પરથી હરિયાણા, પંજાબ, દિલ્હી, હૈદરાબાદ જેવી સિટીમાં બેંક એકાઉન્ટ ખોલવી હોટલ બુકિંગ કરાવી હોવાનું વૃદ્ધને જણાવ્યું હતું. ઓર્ગન ડોનર કરનારના અંગો ચાઇના જેવા દેશોમાં વેચીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ લગાવી વૃદ્ધ પાસે એકાઉન્ટની ડિટેઈલ અને આધારકાર્ડ અને તેમાં કેટલા પૈસા છે, તેની માહિતી વીડિયો કોલમાં માંગવામાં આવી હતી. જેથી વૃદ્ધે ગભરાઈ માંગવામાં આવેલી તમામ વિગતો વ્હોટ્સએપ પર મોકલી આપી હતી. જે બાદ IPS ઓફિસરે અન્ય પોલીસ કર્મચારીને વૃદ્ધને હજુ સુધી ડિજિટલ અરેસ્ટ કેમ કર્યા નથી તેવો સવાલ પણ કર્યો હતો. જે દરમિયાન શંકર પાટીલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, વૃદ્ધના ઘરે અત્યારે લગ્ન પ્રસંગ છે અને તે પોલીસ કાર્યવાહીમાં સપોર્ટ કરી રહ્યા છે, જેથી ડિજિટલ એરેસ્ટ ન કર્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં આગળની કાર્યવાહી માટે વૃદ્ધની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી સુરેશ અનુરાગ સાથે વીડિયો કોલ પર વાતચીત કરાવી હતી. જે દરમિયાન વૃદ્ધ પાસે બેંકની હિસ્ટ્રી અને ફંડની વિગતો અને અત્યારે બેંક એન્કાઉન્ટમાં કેટલી રકમ છે તે માંગવામાં આવી હતી. તેમજ વીડિયો કોલમાં આપેલી સૂચના બાદ વૃદ્ધે બેંકની એફડી તોડાવી બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. વીડિયો કોલ વિશે કોઈને વાતચીત કરશો તો કોઈ મદદ નહીં કરવાની અને અરેસ્ટ કરવાની વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી. જેથી વૃદ્ધે ડરના કારણે કોઈ સાથે વાતચીત કરી નહતી.
30 ઓક્ટોબરના સવારે વૃદ્ધને વીડિયો કોલ કરી બેંકમાં રહેલા તમામ રૂપિયાનું વેરિફિકેશન કરવાનું હોવાથી રૂપિયા ગવર્મેન્ટના RBIના સિક્રેટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું. પૈસા વેરિફાઈ થયા બાદ વ્યાજ સાથે પરત આપવાની પણ લાલચ આપવામાં આવી હતી. તેમજ ગઠિયાઓ એટલા સક્રિય હતા કે, બેંકના મેનેજર પૂછે તો મિત્રના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાના હોવાનું પણ વૃદ્ધને કહેવામાં આવ્યું હતું. જેથી વૃદ્ધે ડરના કારણે 5.85 લાખ રૂપિયા બેંકના ખાતામાં આરટીજીએસથી મોકલી આપ્યા હતા. જે બાદ પણ વોટ્સએપ કોલ સતત ચાલુ રહેતા હતા. સાયબર ગઠિયાઓ દરરોજ વૉટ્સએપ કોલ કરી કેસ કોર્ટમાં મોકલી આપ્યો હોવાનું કહી ધરપકડ વોરંટ કાઢવાની ધમકી આપી વૃદ્ધને દરરોજ માનસિક ત્રાસ આપતા હતા. 5.85 લાખ રૂપિયા આપ્યા બાદ પણ વૃદ્ધ પાસે વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ ઘરમાં પુત્રના લગ્ન પ્રસંગ હોવાથી આટલા બધા રૂપિયાની સગવડ ન થઈ શકે તેવું વૃદ્ધે સાયબર ગઠિયાઓને વીડિયો કોલમાં જણાવ્યું હતું. વૃદ્ધને દર બે કલાકે ઓનલાઇન હાજરી પરવડાવી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી વૃદ્ધે ખોટા કેસમાં ધરપકડ ન થાય તે ડરથી કુલ 7.14 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમજ સમાજમાં કોઈ બદનામી ન થાય તે ડરથી વહોટ્સએપ ચેટ અને અન્ય પુરાવા પણ વૃદ્ધે ડિલિટ કરી દીધા હતા. દીકરાના લગ્ન પૂર્ણ થયા બાદ વૃદ્ધે પરિવારને સમગ્ર બાબતે જાણ કરી હતી. જે બાદ તપાસ કર્યા સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *