
શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પાંચ મહિનાના અયાનનું જીવન બચાવ્યું છે. રમતાં રમતાં અયાન ભૂલથી બટન સેલ ગળી ગયો હતો. આ સેલ અન્નનળીમાં ફસાઈ જતાં તેની તબિયત બગડી રહી હતી. તે સતત ઉધરસ ખાતો રહેતો હોવાથી માતા-પિતાએ ખાનગી હોસ્પિટલમાં તેનો એક્સ-રે કરાવ્યો હતો. એક્સ-રેમાં અન્નનળીમાં કંઈક ગોળ વસ્તુ ફસાઈ હોવાનું દેખાતાં તેમને યાદ આવ્યું કે બાળક બટન સેલથી રમતો હતો. તેઓ તરત જ બાળકને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યાં. સિવિલ હોસ્પિટલમાં ENT અને બાળરોગના સર્જનોએ તરત જ ટીમ બનાવી. ડૉ.રાકેશ જોષી અને ડૉ. નિરખી શાહની ટીમે તાત્કાલિક એન્ડોસ્કોપી કરીને બટન સેલને ધ્યાનપૂર્વક બહાર કાઢ્યો. બેટરીના કેમિકલને કારણે અન્નનળીમાં ઘા પડી ગયા હતા, પરંતુ સમયસર સારવાર મળવાથી કેસ ગંભીર થતાં અટક્યો હતો. ડૉક્ટર્સ કહે છે કે જો થોડો પણ વધુ સમય થયો હોત તો અન્નનળીમાં છિદ્ર પડી શકત અને બાળકની સ્થિતિ બહુ ગંભીર બની જાત. ઓપરેશન બાદ અયાનને દવાઓ આપી ઘરે રવાના કરવામાં આવ્યો હતો. 15 દિવસ પછી કરાયેલી ચકાસણીમાં અન્નનળી સંપૂર્ણ ઠીક જોવા મળી. હવે અયાન સામાન્ય રીતે ખોરાક લઈ રહ્યો છે અને સ્વસ્થ છે.
બોપલની ચાઇલ્ડહૂડ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડૉ.મેહુલ શાહ કહે છે, ‘મોટેભાગે બાળકો સિંગદાણા, ફ્રૂટ્સના દાણા, વટાણા, તુવેરના દાણા, દાડમના દાણા ગળી જતાં હોય છે. ઘણીવાર બાળકો મોંને બદલે નાકમાં પણ આ દાણા નાખી દેતાં હોય છે. ઘણીવાર આપણને ખ્યાલ ન હોય, પરંતુ રમકડાંમાં એવી નાની નાની વસ્તુઓ હોય છે, એને પણ બાળકો મોંમાં નાખી દેતાં હોય છે. કેટલીકવાર તો બાળકો ઓલઆઉટની રિફિલ, કેરોસિન અને ઝેરી કેમિકલ પણ પી જતાં હોય છે. ઘણીવાર એવું બને છે કે અમે બાળકોને શરદી-ઉધરસ માટે પ્રિસ્ક્રાઇબ કરેલી દવા લખી આપીએ. ઘરમાં ઘણીવાર પેરેન્ટ્સથી સિરપનું ઢાંકણું ખુલ્લું રહી જાય તો બાળકો એ ગટગટાવી જાય છે. આ પ્રકારના કેસ રોજ-બરોજ આવતા હોય છે. ઘણીવાર બાળકો રમકડાંથી રમતાં હોય અને એમાં મણકા કે અન્ય નાની નાની વસ્તુ હોય તો એ તોડીને મોંમાં નાખે તો ગળી જવાનો કે ફસાઈ જવાનો ભય રહે છે. ઘણીવાર બાળકો સિક્કા, મેટલની વસ્તુઓ કે સ્કૂ… વગેરે જેવી જોખમી વસ્તુઓ પણ ગળી જતાં હોય છે.
આ અંગે વાત કરતાં ‘ગુજરાત એકેડેમી ઑફ પીડિયાટ્રિશિયન’ના પ્રમુખ ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, ‘અમારી પાસે મોટેભાગે અંદાજે બે વર્ષની ઉંમરનાં બાળકોના ફોરેન બૉડી (વસ્તુઓ મોંમાં ફસાઈ જતી હોય, એને મેડિકલની ભાષામાં ફોરેન બૉડી કહેવાય) કેસ વધારે આવતા હોય છે. સામાન્ય રીતે 9 મહિનાથી લઈ ચાર-પાંચ વર્ષની ઉંમરનાં બાળકોનાં મોંમાં વસ્તુ ફસાઈ ગઈ હોય એવા કિસ્સાઓ બનતા હોય છે.’ તો ડૉ. મેહુલ શાહ જણાવે છે, ‘ઉંમરની રીતે વિચારીએ તો લગભગ છ મહિનાની ઉંમરનાં બાળકોથી લઈ બે વર્ષની ઉંમરનાં બાળકોમાં વસ્તુઓ ગળી જવાના કિસ્સાઓ વધુ બને છે. આ ઉંમરનાં બાળકો કુતૂહલવશ નવી નવી બાબતો એક્સ્પ્લોર કરવા માગે છે અને એને કારણે અન્નનળી કે શ્વાસનળીમાં આવી વસ્તુઓ ફસાઈ જવાના કે પછી ગળી જવાના ચાન્સ વધી જાય છે. આ વયજૂથનાં બાળકોમાં ‘ફોરેન બૉડી’ના કેસ સૌથી વધુ જોવા મળતા હોય છે. ઘણીવાર બે વર્ષથી વધુ ઉંમરવાળાં બાળકોના કેસ પણ આવતા હોય છે, પરંતુ મોટેભાગે છ મહિનાથી 2 વર્ષની ઉંમરનાં બાળકોના કેસ વધુ આવે છે.
બાળકોમાં બીમારી અંગે વાત કરતાં ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, ‘બાળક ખાવા સિવાયની વસ્તુઓ મોંમાં નાખે છે, આથી પેટનું ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. બાળક ઘણીવાર રેતી, માટી, ચોક, રબર સહિતની વસ્તુઓ ખાતું હોય છે. આ બધી વસ્તુ પેટમાં જાય અને પેટમાં દુખાવો કરી શકે છે. ઘણીવાર બાળકને વૉમિટિંગ થાય છે, તો ઘણીવાર વસ્તુ ફસાઈ જાય ત્યારે બાળકના મોંમાંથી એ કાઢવી પડતી હોય છે.’ તો ડૉ. મેહુલ શાહ કહે છે, ‘બાળક ખાવા સિવાયની કોઈ વસ્તુ મોંમાં નાખે તો ઝાડા અને વૉમિટિંગ થવાનું જોખમ વધી જાય છે. ઘણીવાર બાળક ઝેરી વસ્તુઓ, જેવી કે ફિનાઇલ, કેમિકલ, સિરપ, કેરોસિન કે અન્યની દવાઓ પી જાય તો એને પોઇઝનિંગ જેવી ગંભીર અસર પણ થાય છે.’ ડૉ. ચેતન ત્રિવેદી બટન બેટરીની ગંભીરતા અંગે વાત કરતાં કહે છે, ‘ખાવા સિવાયની વસ્તુમાં બટન બેટરી ઘણી જ જોખમી છે. જો બટન બેટરી બાળક મોંમાં નાખે અને જો એ અન્નનળીમાં ફસાઈ જાય તો બે કલાકની અંદર એ બહાર કાઢવી પડે. જો આમ ન કરવામાં આવે તો બટન બેટરી એટલો ભાગ બાળી નાખે અને ત્યાં કાણું પણ પડી શકે છે. બટન બેટરીમાં રહેલા ઘાતક કેમિકલ શરીરમાં ચાંદું પાડી શકે છે. જો બાળક બટન બેટરી ગળી ગયું હોય તો અમે થોડી પણ રાહ જોતા નથી. આમાં ટાઇમ ઘણો જ મહત્ત્વનો છે.’
ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, ‘દાડમનો દાણો ગળી જવાના કિસ્સા બહુ જ કોમન બને છે. સિંગ, ચણા પણ આ જ કેટેગરીમાં આવે છે. વસ્તુ ફસાઈ ગઈ હોય અને તે બાળક તાત્કાલિક હૉસ્પિટલ સુધી પહોંચી શકે છે તો તે નસીબદાર છે, કારણ કે બાળકની શ્વાસનળી ઘણી જ સાંકડી હોય છે. સાંકડી શ્વાસનળીમાં જો કોઈ વસ્તુ ફસાઈ જાય તો ગૂંગળામણ થવા લાગે અને આ જ કારણે તે શ્વાસ લઈ શકે નહીં. આ પરિસ્થિતિ બાળકમાં બે કે ચાર મિનિટ પણ રહે તો તેના જીવને જોખમ થઈ શકે છે, જોકે ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાઈ હોવા છતાં થોડીક જગ્યા રહે છે. આ જ કારણે બાળકો શ્વાસ લઈ શકે છે. આ બાળકો જો સમયસર હૉસ્પિટલ પહોંચી જાય તો અમે તેનો જીવ બચાવી શકીએ છીએ.’ ડૉ. મેહુલ શાહ કહે છે, ‘બાળકના ગળામાં જે-તે વસ્તુ કઈ જગ્યાએ ફસાઈ છે એના પરથી ગોલ્ડન અવર્સ નક્કી થતા હોય છે. જો વસ્તુ શ્વાસનળીમાં ભરાઈ હશે તો 2-4 મિનિટમાં હૉસ્પિટલ આવે એ જરૂરી છે. જો બાળક ભૂરું પડે કે બેભાન થાય તો સમજી લો કે તેનામાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે અને તે ગંભીર છે. આ સ્થિતિમાં પેરેન્ટ્સે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને બાળકને હૉસ્પિટલ પહોંચાડવું. જો બાળકને ઑક્સિજન નથી મળતો અને હૃદયના ધબકારા સતત ઓછા થતા હોય તો CPR આપવો જોઈએ.’
ડૉ. ચેતન ત્રિવેદી કહે છે, ‘જો બાળક એક વર્ષથી નાનું હોય અને ચૉકિંગ થઈ ગયું હોય ત્યારે તે રડી કે બોલી શકતું નથી. તેનું શરીર ભૂરું પડવા લાગે છે. આ સમયે જો બાળકના મોંમાં કંઈ દેખાય અને એ ખેંચી શકાય એમ હોય તો જ ખેંચો. ગમે તેમ આંગળી નાખીને કાઢવાનો પ્રયાસ બિલકુલ ન કરો.’ ડૉ. મેહુલ શાહ જણાવે છે, ‘જો બાળક કંઈક ગળી જાય છે તો તેના મોંમાં એ દેખાય તો પેરેન્ટ્સ સોફ્ટ કોટન કપડું લઈને આંગળીની મદદથી તરત જ કાઢી શકે છે.’ ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, ‘આવા સમયે તે બાળકને હથેળીમાં ઊંધું સૂવડાવો. તેની પીઠ પર બીજા હાથની હથેળીથી પાંચવાર ધબ્બા મારો. પછી બાળકને સીધું કરીને તેની ચેસ્ટ પર પાંચવાર ધબ્બા મારો. આમ કરવાથી એમ થશે કે જે વસ્તુ ફસાઈ હશે એ સીધી મોં વાટેથી બહાર નીકળી જશે. આ મેથડને હેમલિચ રિમૂવર મેથડ (heimlich maneuver) કહેવામાં આવે છે. જો પેરેન્ટ્સને કંઈ ન ફાવે તો તેઓ પીઠ પર પાંચ ધબ્બા મારશે તોપણ એ નીકળી જશે.’ ડૉ. મેહુલ શાહ જણાવે છે, ‘નાનું બાળક હોય તો ખોળામાં ઊંધું રાખીને તેને બેક થ્રસ્ટ અને પછી ચેસ્ટ થ્રસ્ટ આઠથી દસવાર આપવા. મોટા ભાગના કિસ્સામાં મોંમાં ફસાયેલી વસ્તુ નીકળી જતી હોય છે અને શ્વાસનળી ખૂલ્લી થઈ જાય છે, પરંતુ જો આમ કરવાથી પણ મોંમાં ફસાયેલી વસ્તુ ન નીકળે અને બાળક બેભાન થઈ જાય, શરીર ભૂરું પડી જાય તો તાત્કાલિક હૉસ્પિટલ પહોંચવું. જો પેરેન્ટ્સને બેઝિક CPR આવડે તો બાળકને તરત જ આપવાનું શરૂ કરી દેવું જોઈએ.’
ડૉ. ચેતન ત્રિવેદી કહે છે, ‘હવે જો બાળક ચાર-પાંચ વર્ષ કે એનાથી મોટું છે અને તેના ગળામાં કંઈક ફસાઈ જાય તો તે તરત જ બંને હાથથી ગળું પકડી લેશે. સામાન્ય રીતે નાના કે મોટા કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે વ્યક્તિના ગળામાં કંઈક ફસાઈ જાય તો તે આ રીતે જ બિહેવ કરે છે. આમ કરવાનું કારણ એ છે કે તે બોલી શકતું નથી અને આમ કરીને તે ઈશારો આપે છે કે તેના ગળામાં કંઈક ફસાઈ ગયું છે. આ માટે બાળકને ઊભું રાખો. આપણે તેની પાછળ જઈને ઊભા રહેવાનું. આપણા એક હાથની મુઠ્ઠી વાળવી અને બાળકની નાભિના લેવલ પર મૂકવી અને પાછળથી તેને ધબ્બા મારવા. આમ કરવાથી બાળકના મોંમાંથી એ વસ્તુ નીકળી જશે. આ મેથડ બધાં જ બાળકોના પેરેન્ટ્સે શીખવા જેવી વાત છે. નાભિ અને પાંસળીનો ભાગ પૂરો થાય ત્યાં આપણી મુઠ્ઠી મૂકીને પ્રેસ કરવાની હોય છે. નીચેથી આ રીતે પ્રેશર આવશે તો મોંમાં ફસાયેલી વસ્તુ તરત જ બહાર નીકળી જશે.’ ડૉ. મેહુલ શાહ કહે છે, ‘આ બહુ જ બેઝિક વસ્તુ છે અને દરેક પેરેન્ટ્સે આ શીખવું જોઈએ. આ મેથડને કારણે બાળકનો જીવ બચી શકે છે.’ ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, ‘જ્યારે બાળક અમારી પાસે આવે ત્યારે મોટા ભાગના કિસ્સામાં ફસાયેલી વસ્તુ શ્વાસનળીમાં જતી રહી હોય છે. ત્યાં ફસાયેલી વસ્તુ આ મેથડથી કાઢી ન શકાય એ પરિસ્થિતિમાં અમે એન્ડોસ્કોપી કરીને વસ્તુ કાઢી લઈએ છીએ. અમારી પાસે સિંગદાણા, ઇયર બડ, શ્વાસનળીમાં ફસાઈ ગયા હોય એવા કિસ્સાઓ આવેલા છે. જો શ્વાસનળીમાં થોડી જગ્યા રહી ગઈ છે તો એવા સંજોગોમાં બાળક હૉસ્પિટલ સુધી આવી શકે છે અને તેને બચવાના ચાન્સ સ્વાભાવિક રીતે જ વધી જાય. આમાં કેસ ટુ કેસ વેરિયેશન જોવા મળે છે. દરેક કેસમાં એકસરખું જોવા મળે નહીં.’ ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, ‘ખાવાની વસ્તુ, બિયાં, બોર, બુટ્ટી, લોકેટ કે સિક્કા ગળામાં ફસાઈ ગયા હોય એવા કેસ આવતા હોય છે. ગળીને વસ્તુ પેટમાં જતી રહી હોય એવા અસંખ્ય કિસ્સા અમારી પાસે આવે છે. મારી પાસે થોડા મહિના પહેલાં બાળક ઝાંઝરી ગળી ગયાનો કેસ આવ્યો હતો. એરપોડ પણ ગળી જવાના કેસ આવે છે. જો બાળકના પેટમાં વસ્તુ જતી રહી હોય તો અમે એગ્રેસિવ મોડમાં આવી જતા નથી. અમે એક્સરે કરાવીએ અને અમને લાગે કે વસ્તુ પેટની નીચેના ભાગમાં જતી રહી છે તો અમે 48-72 કલાકની રાહ જોવાનું કહીએ છીએ. બાળકના મળ વાટે તે વસ્તુ નીકળી જવાના ચાન્સ વધુ હોય છે. બહુ જ રેર કેસમાં ઑપરેશન કરવાની જરૂર પડે છે.’