
ડ્રગ્સ તસ્કરીના ગંભીર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ મોટેપાયે સર્ચ-ઓપરેશન હાથ ધર્યું છે. મિઝોરમ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી NDPS ફરિયાદના આધારે શરૂ કરાયેલી તપાસની કાર્યવાહી હવે મની લોન્ડરિંગનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. ફરિયાદ મુજબ, મિઝોરમ પોલીસે છ વ્યક્તિ પાસેથી 1.41 કરોડની કિંમતનું 4.724 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. આ કામગીરી બાદ ડ્રગ્સમાફિયાઓ દ્વારા કરવામાં આવેલી ગેરકાયદે કમાણી તપાસ માટે EDએ PMLA હેઠળ કેસ નોંધ્યો હતો. ડ્રગ્સકેસમાં મિઝોરમ, આસામ અને ગુજરાત એમ ત્રણેય રાજ્યમાં ED દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ડ્રગ્સ નેટવર્ક, પૈસાની લેવડદેવડ અને આ કાંડમાં સંકળાયેલા લોકોના નાણાકીય ટ્રેલને પકડવા માટે અનેક સ્થળોએ એકસાથે સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત EDની ટીમોએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને તપાસ કરતાં મહત્ત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા, સાથોસાથ અમદાવાદમાં થયેલી તપાસ દરમિયાન આશરે 35 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી, જેને ડ્રગ્સ નેટવર્કથી સંકળાયેલી શંકાસ્પદ કમાણી માનવામાં આવી રહી છે. રોકડ સિવાય EDને સર્ચ દરમિયાન ડિજિટલ ઇક્વિપમેન્ટસ, મોબાઇલ, લેપટોપ, હાર્ડડિસ્ક, દસ્તાવેજો અને નાણાકીય ટ્રાન્ઝેક્શન સંબંધિત મહત્ત્વનાં પેપર પણ જપ્ત કરવામાં આવ્યાં છે. આ તમામ પુરાવાઓ ડ્રગ્સની કમાણી ક્યાં, કેવી રીતે અને કોના દ્વારા વપરાઈ હતી એની વિગતવાર તપાસમાં મદદરૂપ બનશે. વધુમાં જાણવા મુજબ પુરાવાઓના આધારે વધુ લોકોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે અને ભવિષ્યમાં વધુ સર્ચ અથવા અટકાયતી કાર્યવાહી થવાની શક્યતા છે. પુરાવાઓની ફોરેન્સિક તપાસ પછી મની લોન્ડરિંગનાં હાઇ લેવલ કનેક્શન બહાર આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડ્રગ્સ અને મની લોન્ડરિંગના રાષ્ટ્રીય સ્તરના આ કેસમાં EDની કાર્યવાહી આવનારા દિવસોમાં વધુ ઝડપથી આગળ વધશે એવી શક્યતા છે. આ ઉપરાંત પટના સ્થિત કોન્ટ્રેકટરના રિશુ શ્રી સાથે સંબંધિત મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ 2002ની જોગવાઇઓ હેઠળ અમદાવાદ, સુરત, ગુડગાંવ અને નવી દિલ્હીમાં નવ સ્થળે સર્ચ-ઓપરેશન હાથ ધરીને 33 લાખની રોકડ રકમ, ડિજિટલ ઉપકરણો, ડાયરીઓ અને અનેક ગુનાહિત દસ્તાવેજો મળ્યાં હતાં.
બિહાર સરકારના જળ સંસાધન, આરોગ્ય, જાહેર આરોગ્ય ઇજનેરી, શહેરી વિકાસ, બિહાર શહેરી માળખાકીય વિકાસ નિગમ, શિક્ષણ, મકાન અને બાંધકામ અને ગ્રામીણ બાંધકામ વિભાગમાં કોન્ટ્રેક્ટર-પેટા કોન્ટ્રેક્ટર તરીકે રિશુ શ્રી કામ કરે છે ત્યાં ED સ્પેશિયલ વિજિલન્સ યુનિટ દ્વારા તપાસ ચાલી રહી છે. બિહારના પટનામાં વિવિધ સરકારી અધિકારીઓ સાથે સાઠગાંઠ રચીને ઘણા ટ્રાવેલ એજન્ટો અને ઘણા સરકારી અધિકારીઓના રહેણાક પરિસરમાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ-ઓપરેશનમાં કુલ રૂ. 11.64 કરોડ રોકડ, વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. વધુમાં રિશુ શ્રી તેમના પરિવારના સભ્યો અને સંસ્થાઓની રૂ. 68.09 કરોડની સંપત્તિ ઓગસ્ટમાં જપ્ત કરવામાં આવી હતી. ED સ્પેશિયલ વિજિલન્સ યુનિટ દ્વારા તા. 25મીના રોજ અમદાવાદ, સુરત, ગુડગાંવ અને નવી દિલ્હીમાં કુલ નવ સ્થળે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રૂ. 33 લાખની રોકડ, ડાયરીઓ અને ગુનાહિત દસ્તાવેજો મળ્યાં છે, જેની તપાસ ચાલી રહી છે. બીજી તરફ નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા અપાયેલી માન્યતાને લઇને ચોક્કસ મંજૂરીઓ આપવામાં આરોગ્ય વિભાગની જુદી જુદી કાઉન્સિલ અને આયોગ દ્વારા પણ ગેરરીતિ કરવામાં આવી હોવાના મુદ્દા પ્રકાશમાં આવ્યા હતા. એ અંગે સીબીઆઇ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે ઇડીએ બીજી તપાસ શરૂ કરી છે. આ તપાસ અંતર્ગત આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, છતીસગઢ, રાજસ્થાન, બિહાર, યુ.પી. સહિત દિલ્હીમાં ઇડીની ટીમે દરોડા પાડી તપાસનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ શહેરના પાલડીમાં પણ વેપારીની પ્રિમાઇસીસમાં પણ ઇડીની ટીમ તપાસ કરી રહી છે, જોકે આ બાબતે સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ કોઇ સ્પષ્ટતા કરતા નથી.