આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલ્પના કરાયેલ ‘વિકસિત ભારત’નું લક્ષ્ય ભારત ૨૦૪૭ પહેલાં જ હાંસલ કરે તેવી પરમ પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ પ્રાર્થના કરી
1bfaad82-aa25-431a-8c08-3b8de33e519b 318e69bb-6702-4815-969f-07e9e70cd739 c2270aad-933f-4971-ad93-ff3abe71df65 38e625b4-52b1-4e7f-8f2a-a7c30630e61a
વીડીયો માટે ઉપર ક્લિક કરો
અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા તેમની સભ્યોની વાર્ષિક બેઠક શનિવાર, ૨૯મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ કર્ણાવતી ક્લબ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજવામાં આવી હતી.આ પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય ડો. શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના યજમાન તરીકેની પુષ્ટિ અને ગુજરાતની ઓલિમ્પિક્સ ૨૦૩૬ માટેની મહત્ત્વાકાંક્ષી બિડ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) આગામી ૨૫ વર્ષમાં રાજ્યના વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ગુજરાત વેપાર અને ઉદ્યોગમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છે, અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @૨૦૪૭”ના વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેમાં રાજ્ય ચિપ્સના ઉત્પાદનથી લઈને જહાજો (શિપ્સ) સુધી નવી ઊંચાઈઓ સર કરશે.માનનીય મુખ્યમંત્રીશ્રીએ GCCIના મુખ્ય કાર્યક્રમ GATE ૨૦૨૫ની તેમની જાહેરાત અને ઉદ્ઘાટનને યાદ કરીને, આગામી GATE ૨૦૨૬ની જાહેરાત કરતાં આનંદ વ્યક્ત કર્યો. તેમણે GCCIના આગામી કાર્યક્રમો જેમ કે GATE ૨૦૨૬, GREENS, The Grazer Fest અને 4th Farm to Fashionની સફળતા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી. તેમણે GCCI વાર્ષિક ટ્રેડ એકસ્પો (GATE) ૨૦૨૬નું બ્રોશર પણ ઔપચારિક રીતે અનાવરણ કર્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત GCCIના વાર્ષિક સ્નેહમિલન પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી અમદાવાદને કૉમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ની યજમાની મળી છે, જે અમદાવાદમાં વિકાસના નવા બૅન્ચમાર્ક સેટ કરશે. એટલું જ નહીં, આનાથી વર્ષ-૨૦૩૬માં ગુજરાતમાં ઑલિમ્પિક રમતોનાં આયોજન માટેનાં દ્વાર પણ ખૂલ્યાં છે.તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રીની કાર્યશક્તિનાં ફળ ગુજરાતને હરહંમેશ મળતાં રહ્યાં છે. તત્કાલિન મુખ્યમંત્રી તરીકે તેમણે દરેક ક્ષેત્રની ક્ષમતા ઓળખીને રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. જેના પરિણામે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વર્ષ-૨૦૩૫માં ગુજરાત@૭૫ વિશે વાત કરતાં કહ્યું કે વડાપ્રધાનશ્રીએ ચીંધેલા માર્ગ પર આગળ ચાલીને વિકસિત ભારત @૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સ્વપ્નમાં ગુજરાત નવાં ચિહ્નો અંકિત કરશે જ, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજ્યની વિકાસયાત્રા વિશે વાત કરતાં શ્રી પટેલે કહ્યું કે શ્રી નરેન્દ્રભાઈએ રાજ્યમાં દરેક ક્ષેત્રના વિકાસનો પાયો નાખ્યો હતો. જેના કારણે આજે ગુજરાતમાં ચીપથી લઈને શિપનું ઉત્પાદન થઈ રહ્યું છે. સૌને સાથે રાખીને રાજ્યને વિકાસના માર્ગે અગ્રેસર રાખવા માટે વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ મંત્રને અનુસરીને રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ કર્યો છે.મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં GCCI સહિત વેપાર ઉદ્યોગોના યોગદાનને મહત્ત્વનું ગણાવ્યું હતું. તેમણે વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રને મજબૂત બનાવવા સ્વદેશીનો મંત્ર અપનાવીને સૌને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે, પરમ પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ તેમના આશીર્વાદ અને સૂઝભરી વાતોથી કાર્યક્રમની શોભા વધારી. તેમણે ભારતના અસાધારણ ૧૦,૦૦૦ વર્ષના પ્રવાસ પર પ્રકાશ પાડ્યો, જ્યાં પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાન વ્યવસાયની અવિનાશી પરંપરાઓ સાથે સુમેળભર્યું સંમિશ્રણ થયું છે. આ સમન્વયે સહસ્ત્રાબ્દીઓથી નૈતિક સમૃદ્ધિ, વ્યક્તિગત વિકાસ અને સામાજિક સૌહાર્દ પર ભાર મૂકતી સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. તેમણે વેપાર, ઉદ્યોગ અને જીવનના તમામ ક્ષેત્રોમાં નૈતિક મૂલ્યોનું પાલન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. તેમણે ટિપ્પણી કરી કે આવો નૈતિક અભિગમ લાંબા ગાળે વ્યક્તિઓ તેમજ સમગ્ર સમાજ માટે વિશ્વસનીયતા અને લાભ લાવશે. તેમણે પ્રાર્થના કરી કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલ્પના કરાયેલ ‘વિકસિત ભારત’નું લક્ષ્ય ભારત ૨૦૪૭ પહેલાં જ હાંસલ કરે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે GCCI દ્વારા વર્ષ-૨૦૨૬માં યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પોની બીજી આવૃત્તિ GATE-2026ના લૉગોનું અનાવરણ તથા પૂ. જ્ઞાનવત્સલ સ્વામી લિખિત પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.સ્નેહમિલનમાં ઉપસ્થિત BAPS સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ આ સંમેલનને ઉદ્યોગ અને અધ્યાત્મનો સમન્વય ગણાવ્યો હતો. તેમણે જી-૨૦ સમિટ અને બીજા દિવસે રામમંદિર પર ધ્વજારોહણના બંને પ્રસંગોમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિને વિકાસ અને ભારતના વિશ્વગુરુ બનવાની બે સમાંતર ચાલતી પ્રક્રિયા તરીકે સરખાવી હતી. સમાજમાં સ્થિરતા અને ગુણિયલ વ્યક્તિઓના નિર્માણ માટે ઉદ્યોગ અને અધ્યાત્મના સમન્વય પર તેમણે ભાર મૂક્યો હતો.

GCCIના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પરમ પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામીજીની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. માનનીય મુખ્યમંત્રીશ્રીને અમદાવાદ માટે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ સફળતાપૂર્વક મેળવવા બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ તેમના દૂરંદેશી નેતૃત્વ અને ગુજરાતના મજબૂત આર્થિક વિકાસને આગળ વધારવાની તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે ૧૦૦ થી વધુ ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓ પર સરકાર સાથે GCCIની સક્રિયતાને પ્રકાશિત કરી હતી, જેમાંથી મોટાભાગનાને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, અને ચાર મુખ્ય કાર્યક્રમો: GATE 2026, GREENS, The Grazer Fest અને Farm to Fashion માટે પાંચ વર્ષના MoU ની જાહેરાત કરી હતી. તેમણે “વિકસિત ભારત ર૦૪૭” સાથે સંરેખિત લાંબા ગાળાના વ્યૂહાત્મક આયોજન માટે નોલેજ પાર્ટનર તરીકે GCCI સાથે કામ કરવા બદલ Deloitteની ભૂમિકાને પણ સ્વીકારી હતી. તેમણે સભ્યોને સક્રિય સહભાગિતા ચાલુ રાખવા વિનંતી કરતા, નેટવર્કિંગમાં વધારો, GCCI સેક્રેટરીઅતનું આધુનિકીકરણ, ISO પ્રમાણપત્ર અને એક નવા તાલીમ કેન્દ્ર અને ડિજિટલ લાઇબ્રેરી જેવી પહેલોની રૂપરેખા પણ રજૂ કરી હતી.
આ પ્રસંગે GCCIના પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયરે વર્ષ-૨૦૩૦માં યોજાનારી કૉમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ-ગુજરાતને મળવા બદલ મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત ના સ્વપ્નને સાકાર કરવામાં GCCI શક્ય તમામ સહકાર આપવાની ખાતરી આપી, આ માટે ચેમ્બર દ્વારા યોજાનારા વિવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી.મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે રાજ્યમાં બિઝનેસ ફેન્ડલી વાતાવરણનું નિર્માણ થયું છે અને વ્યાપારી એકમોને લગતાં પ્રશ્નોના ત્વરિત ઉકેલ અને હકારાત્મક અભિગમ માટે તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં, GCCI દ્વારા આવતા વર્ષે યોજાનારા GCCI એન્યુલ ટ્રેડ એક્સ્પો-GATEની બીજી આવૃત્તિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેના ગ્લોબલ રિસાયકલિંગ એક્સ્પો-GREENS તથા ફાર્મ ટુ ફેશન અને ગ્રેઝર ફેસ્ટની વિગતો અને આયોજનની માહિતી વિડિયો ફિલ્મના માધ્યમથી આપવામાં આવી હતી.
GCCIના સિનિયર ઉપપ્રમુખ શ્રી રાજેશ ગાંધીએ GCCI GATE 2026 વિશે વિગતવાર માહિતી આપી હતી, જે ચેમ્બરનું પ્રીમિયર B2B પ્લેટફોર્મ છે અને જોડાણો, સહયોગ અને વ્યવસાયિક વિકાસને વેગ આપવા માટે રચાયેલ છે. ગાંધીનગર ખાતેના હેલિપેડ એકિઝબિશન સેન્ટર ખાતે ૧૬-૧૮ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન આયોજિત આ કાર્યક્રમ ગુજરાત અને ભારતના વિઝન ૨૦૪૭ સાથે સંકળાયેલા ૧૬ મુખ્ય ક્ષેત્રોનું પ્રદર્શન કરશે, જેમાં અદ્યતન ઉત્પાદન, ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર્સ, ઓટોમોટિવ, રિન્યુએબલ એનર્જી, એગ્રો-પ્રોસેસિંગ અને લોજિસ્ટિક્સ અને ફાઇનાન્શિયલ હબ્સ જેવી સેવાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેમાં વિકાસશીલ ઓટોમોટિવ ઉદ્યોગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે સહભાગીઓને સક્રિય રીતે જોડાવા, વહેલી બુકિંગ પર ડિસ્કાઉન્ટ મેળવવા અને ગુજરાતના ઉદ્યોગો માટે GATE 2026 ને પ્રચંડ સફળતા બનાવા માટે સહકાર આપવા વિનંતી કરી હતી.વાર્ષિક બેઠકમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, GCCIના સભ્યો અને અનેક પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપી હતી.

GCCIની વાર્ષિક બેઠકનો સમાપન આભારવિધિ સાથે થયો હતો, જે માનદ મંત્રી શ્રી સુધાંશુ મહેતા દ્વારા કરવામાં આવી હતી. તેમણે સભ્યો વચ્ચેના સૌહાર્દ પર પ્રકાશ પાડ્યો અને વ્યવસાયમાં નૈતિક મૂલ્યોના પ્રચાર પર ભાર મૂક્યો,જેનાથી તમામ સહભાગીઓ પ્રેરિત થયા. તેમણે ભૂતપૂર્વ પ્રમુખો, હોદ્દેદારો, મીડિયા પ્રતિનિધિઓ અને કર્ણાવતી ક્લબ મેનેજમેન્ટનો પણ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તેમના અમૂલ્ય સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આજના આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્થાનિક ધારાસભ્યો, GCCIના પૂર્વ પ્રમુખ અજયભાઈ પટેલ, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ રાજેશભાઈ ગાંધી, GCCIના હોદ્દેદારો, વિવિધ સમિતિઓના પ્રમુખ તથા સંસ્થાના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




