ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર: 9 નવા IPS અધિકારીઓને મળ્યું ASP તરીકે પોસ્ટિંગ, સુરેન્દ્રનગરના DySP ‘વેઈટિંગ ફોર પોસ્ટિંગ’માં

Spread the love

 

ગુજરાત સરકારના ગૃહ વિભાગે સોમવારે એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લેતા રાજ્યના પોલીસ તંત્રમાં નવી ઊર્જાનો સંચાર કર્યો છે. હૈદરાબાદ સ્થિત નેશનલ પોલીસ એકેડમીમાં કઠોર તાલીમ પૂર્ણ કરનારા વર્ષ 2022 અને 2023 બેચના 9 યુવા IPS અધિકારીઓને રાજ્યના વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) તરીકે નિમણૂક આપવામાં આવી છે.

આ નિયુક્તિઓની સાથે જ વહીવટી કારણોસર સુરેન્દ્રનગરના તત્કાલીન DySP વી.બી. જાડેજાને હાલ પૂરતા કોઈ પણ પોસ્ટિંગ વિના ‘લીવ રિઝર્વ’માં મુકવામાં આવ્યા છે.

યુવા અધિકારીઓના આગમનથી પોલીસ દળમાં નવો જોમ ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગ દ્વારા સોમવારે મોડી સાંજે એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી (SVPNPA), હૈદરાબાદ ખાતે પોતાની ફેઝ-2 ની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત કેડરના નવ જેટલા પ્રોબેશનરી IPS અધિકારીઓ રાજ્ય પોલીસ દળમાં જોડાયા હતા. વર્ષ 2022 અને 2023 ની બેચના આ તેજસ્વી અધિકારીઓને હવે ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા છે અને તેમને મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) તરીકે સ્વતંત્ર ચાર્જ સોંપવામાં આવ્યો છે.

કોને કયા જિલ્લામાં મળી જવાબદારી?

ગૃહ વિભાગના ઉપ સચિવ અમિત રાવલની સહીથી પ્રસિદ્ધ થયેલા આદેશ અનુસાર, રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નીચે મુજબના યુવા અધિકારીઓને નિમણૂક આપવામાં આવી છે:

અંકિતા મિશ્રા (IPS-2022): અમદાવાદ ગ્રામ્યના અસલાલી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.

ઘનશ્યામ ગૌતમ (IPS-2022): ભાવનગર ગ્રામ્યમાં ASP તરીકે નિયુક્ત કરાયા છે.

અક્ષેષ મહેન્દ્રભાઇ એન્જીનિયર (IPS-2022): સુરત ગ્રામ્યના માંડવી વિભાગનો હવાલો સંભાળશે.

હર્ષ શર્મા (IPS-2023): છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિભાગમાં નિમણૂક.

ગૌતમ વિવેકાનંદન (IPS-2023): કચ્છના મુંદ્રા વિભાગની મહત્વની જવાબદારી.

વેદિકા બિહાની (IPS-2023): સુરેન્દ્રનગર ડિવિઝનમાં ASP તરીકે મુકાયા.

નવીન ચક્રવર્તી રેપુડી (IPS-2023): રાજકોટ ગ્રામ્યના જસદણ વિભાગમાં ફરજ બજાવશે.

વિકાસ યાદવ (IPS-2023): મહીસાગર જિલ્લાના સંતરામપુર વિભાગમાં નિમણૂક.

ડૉ. સંદિપ ટી. (IPS-2023): વલસાડના ધરમપુર વિભાગમાં ASP તરીકે સેવા આપશે.

વી.બી. જાડેજાની બદલી અને રિઝર્વ સ્ટેટસ

આ બદલીના દોરમાં સૌથી વધુ ચર્ચા સુરેન્દ્રનગર ડિવિઝનની રહી છે. અત્યાર સુધી સુરેન્દ્રનગરમાં વિભાગીય પોલીસ અધિકારી (DySP) તરીકે ફરજ બજાવતા વી.બી. જાડેજા પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને નવા IPS અધિકારી વેદિકા બિહાનીને મુકવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે સરકાર દ્વારા વી.બી. જાડેજાને હાલમાં કોઈ નવી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી તેઓને ‘વેઈટિંગ ફોર પોસ્ટિંગ’ એટલે કે લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *