ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પુત્ર ઋષભ અમેરિકામાં તેનું કામકાજ વાઇન્ડ અપ કરી રાજકોટ આવી જતા તેમજ તાજેતરમાં રાજકોટ આવેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષએ તેની સાથે બંધ બારણે મુલાકાત કરતા એવી વાતને વેગ મળ્યો છે કે ઋષભ રૂપાણી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થઇને પિતાની જેમ જ રાજકોટ મહાપાલિકાની ચૂંટણીથી રાજકીય કારકિર્દીનો પ્રારંભ કરે તેવી પ્રબળ શક્યતા છે.
હાલ આ બાબત ફ્ક્ત રાજકીય વર્તુળો થતી એક ચર્ચા છે અને સમગ્ર મામલો જો અને તો વચ્ચે છે તેમ છતાં કોઇ સ્પષ્ટ ઇનકાર પણ કરી શકે તેમ નથી કે ઋષભ ચૂંટણી નહીં લડે !
રૂપાણી પરિવારમાંથી કોઇ ચૂંટણી લડશે તેવી ચર્ચા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે સ્વ. વિજયભાઈ રૂપાણીનો પરિવાર ફરી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષે અચાનક રૂપાણી પરિવારની મુલાકાત લેતાં હવે એવા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે કે, સ્વ.વિજયભાઈનાં પત્ની અંજલીબેન રૂપાણી અથવા તો પુત્ર રૂષભ રૂપાણી રાજકારણમાં ઝંપલવાશે અને કોઈ ચૂંટણી લડશે. જો કે, હજુ આ બહુ વહેલું છે પરંતુ, રૂપાણી પરિવારમાંથી કોઇ ચૂંટણી લડશે તેવી ચર્ચા છે.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે શેડ્યુઅલમાં ન હોવા છતાં સીધા જ સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારની મુલાકાતે ગયા હતા. અંજલિબેન રૂપાણી તેમજ ઋષભ રૂપાણી સાથે બંધ બારણે મુલાકાત કરી હતી દરમિયાન, આ વેળાએ તેમની સાથે રહેલા
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવેને પણ બહાર હિંડોળે બેસાડવામાં આવ્યા હતા તે બાબત રાજકીય દ્રષ્ટિએ સુચક બની રહી હતી, જો સામાન્ય ચર્ચા કે શુભેચ્છા મુલાકાત હોય તો સાથે રહેલા અન્ય હોદ્દેદારોને બહાર બેસવાની જરૂર રહે નહીં તે સ્વાભાવિક છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ સાંભળવા મળે છે કે, વિજયભાઈ રૂપાણીનો પુત્ર ઋષભ અમેરિકામાં પોતાનું કામકાજ બંધ કરીને ફરી રાજકોટ આવી ગયો છે અને તે રાજકારણમાં પ્રવેશ કરશે.ઋષભ આગામી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં.૧૦માં ચૂંટણી લડે તેવી શક્યતા હોવાની વાત હાલ તો રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન બની છે..