
સુરત
સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન GIDC નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં આજે(2 ડિસેમ્બર) સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવતીઓ, એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝી જતાં ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ, દાઝી ગયેલા ચાર લોકોમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર જણાવાઈ રહી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું. આગ લાગવાની આ ઘટના એટલી ઝડપી બની હતી કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો, જેના કારણે ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે દાઝેલા લોકોને બહાર કાઢ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવના પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ શરૂ કરાઈ છે.