GMDC ગ્રાઉન્ડ પાસેથી પૂરઝડપે જઈ રહેલો BMW બાઇકચાલક રેલિંગ સાથે ટકરાતાં સ્થળ પર જ મોત થયું

Spread the love

 

અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામા સતત વધારો થઈ રહ્યો છે. મોડીરાતે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. GMDC ગ્રાઉન્ડ પાસેથી પૂરઝડપે જઈ રહેલો BMW બાઇકચાલક રેલિંગ સાથે ટકરાતાં સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતાં યુવકના પિતા-ભાઈ અને ટ્રાફિક-પોલીસ સ્થળ પર પહોંચી હતી. રાત્રે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી એ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
સવારના પાર્થ કલાકના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો. ઘરે તેની માતા અને તેના ભાઈના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું છે. ઘરમાં નાના દીકરાનું મોત થતા ઘરમાં માતમ છવાયો છે. અત્યારે પાર્થ કલાકના ઘરે બધા સગાં-વહાલાં આવેલા છે. પાર્થ કલાક ઇન્ટિરિયર ડિઝાઇનર હતો અને પ્રહલાદનગરના સફલ કોમ્પલેક્ષમાં સાધના સ્ટુડિયો ચલાવતો હતો. પાર્થ કલાલના પિતા નંદલાલ સોમાજી કલાલએ જણાવ્યું હતું કે, મને લગભગ રાતના 12 વાગ્યે જાણ થઈ હતી. બાઈકના નંબર ઉપરથી અમારૂ એડ્રેસ કાઢીને કોઈક ઘરે બોલાવવા માટે આવ્યું હતું, જેથી મને મારા મોટા દીકરાએ મને ફોન કર્યો હતો. મોટાભાગે ઘરે કોઈ હોતું નથી. હું પણ બહાર હતો અને મારો મોટો દીકરો ત્યારે જ ઘરે આવ્યો હતો, તો પછી એ તાત્કાલિક ત્યાં પહોંચ્યો અને મારી ઉપર ફોન આવ્યો એટલે તાત્કાલિક હું પણ ત્યાં ગયો હતો. અમારે ટ્રાવેલ્સનું કામ છે. ગાડી અમે રેન્ટ ઉપર આપીએ છીએ. અમે ઘરમાં પાંચ મેમ્બર છે, મારા બાપુજી છે, એમની 80 વર્ષની ઉંમર છે. હું છું, મારી વાઇફ છે અને આ બે દીકરા. અમે પાંચ જણ અહીંયા જીવરાજપાર્ક વિશ્વનગર સોસાયટીમાં પરિવાર સાથે રહીએ છીએ.
અમદાવાદના વેજલપુરમાં રહેતો પાર્થ કલાલ નામનો 25 વર્ષનો યુવક 1 ડિસેમ્બરની મોડીરાત્રે એની BMW બાઇક લઈને જઈ રહ્યો હતો. આ સમયે અંધજનમંડળથી હેલ્મેટ સર્કલ જતા જીએમડીસી ગ્રાઉન્ડની બહાર આવેલા બીઆરટીએસના રેલિંગ પાસે પાર્થ પૂરઝડપે બાઈક લઈને અથડાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે તે બાઇક રેલિંગ સાથે ટકરાતાં તેને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતાં પાર્થના ભાઈ અને પિતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અકસ્માતના બનાવવા અંગે એ ડિવિઝન ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસીને અકસ્માતનું કારણ જાણવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે મોટી અને ગંભીર ઘટના સામે આવી છે. ગઈકાલે (1 ડિસેમ્બર) વહેલી સવારે એસજી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બાઈક લઈને નોકરીએ જઈ રહેલા ગાંધીનગરના 21 વર્ષીય યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતાં નિરમા યુનિવર્સિટી પાસે મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *