
રાજ્યમાં 10 ડિગ્રી લધુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 4.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ગઈકાલે ઠંડીગાર રહેલું કંડલા આજે ગરમ બન્યું છે. કંડલાના તાપમાનમાં 7 ડિગ્રીનો વઘારો નોંધાયો છે. એક દિવસમાં રાજ્યના અનેક શહેરોના લધુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ નોંધાતા લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો વધારો તો કયાક બેથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સાથે વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે. ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 68 ટકા તેમજ સાંજે 46 ટકા જેટલું નોંધાયું હતું. તેની સાથે જ રાજ્યમાં સૌથી વધુ ઠંડી 10 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં નોંધાઈ હતી.