અમદાવાદમાં પોલીસ જીપ સળગાવી, પછી કહ્યું હું મને બેટમેન સમજતો

Spread the love

 

2023માં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની જીપ સળગાવવા મામલે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં તેની સામે શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહી રદ્દ કરવા અરજી કરી છે. અરજદારના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેમનો અસીલ બાળપણથી તીવ્ર બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે અને ગુનાના સમયે તે પોતાને ‘બેટમેન’ સમજી રહ્યો હતો, જેના કારણે તેને પોતાના કૃત્યનું ભાન નહોતું. આ ડિસઓર્ડર જુદા-જુદા તબક્કામાં આવે છે, જેમાં વ્યક્તિ ક્યારેક હિંસક બની જાય છે. આ ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ પોતાને બીજું જ કઈ સમજી બેસે છે, જેમ કે સામાજિક કાર્યકર કે પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે અને તે તેના કેરેક્ટરમાં આવી જાય છે. તેને પોતાને પણ ખબર કે ભાન હોતી નથી.
2023માં એલિસબ્રિજ પોલીસ મથકે આંબાવાડીમાં રહેતા એક વ્યક્તિ સામે પોલીસે ગુનો નોંધાયો હતો. જે મુજબ સવારે 5 વાગ્યે તે બુલેટ લઈને એલિસબ્રિજ પોલીસ સ્ટેશને આવ્યો હતો અને બ્રિજની નીચે પડેલી પોલીસની ગાડીમાં આગ લગાડીને જતો રહ્યો હતો. પોલીસે CCTV તપાસતા સામે આવ્યું હતું કે, એક વ્યક્તિ પોલીસની બોલેરો ગાડીનો દરવાજો ખોલીને જીપની અંદર બેસી ગયો હતો અને સળગતી વસ્તુ નાખીને બુલેટ લઈને જતો રહ્યો હતો. પોલીસે વ્યક્તિની ઓળખાણ માટે CCTV પોતાના બાતમીદારોને બતાવ્યા હતા, જે આંબાવાડી ખાતે આરોપીના ઘરે પોલીસને દોરી ગયા હતા.બાદમાં આરોપી સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ છે અને કેસ ચાલી રહ્યો છે. ત્યારે તેને ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સામે આરંભાયેલી કાનૂની કાર્યવાહી રદ કરવા અરજી કરી છે. તેના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, અરજદાર બાળપણથી તીવ્ર બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે. આ ઘટના સમયે અરજદાર આરોપી પોતાને બેટમેન સમજતો હતો અને તેના જ કેરેક્ટર ઝોનમાં હતો. તેનું ઘર પોલીસ સ્ટેશનથી નજીક હતું, તે પેપર સળગાવી જીપમાં નાખીને જતો રહ્યો હતો. તેને પોલીસે પકડ્યો ત્યારે તે જવાબ આપવાની પરિસ્થિતિમાં પણ નહોતો. તે અમદાવાદમાં પોતાની વૃદ્ધ માતા સાથે એકલો રહેતો હતો. તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો અને જામીન મળ્યા બાદમાં તુરંત તેને હોસ્પિટલ લઈ જવાયો હતો.
અરજદાર આરોપીની પૂર્વ પત્ની સાથે વાત કરી છે. તેને બેંગલોરમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પણ રાખવામાં આવ્યો હતો. તેની મેડિકલ હિસ્ટ્રી મુજબ ગુસ્સે થવું, ભાગવાની વૃતિ, એક હેતુ પૂર્ણતાની પ્રવૃતિ, ડ્રગ્સ એડિક્ટ હોવાનું પણ જણાય છે. અરજદારની પૂર્વ પત્ની હજુ પણ આરોપીની વૃદ્ધ માતાને મદદ કરે છે. તેને પોલીસે પણ ખૂબ માર્યો હતો, તે કણસતો હતો. હાઇકોર્ટ સમક્ષ અરજદાર આરોપીની મેડિકલ હિસ્ટ્રી અને ટ્રીટમેન્ટ સમરી મૂકવામાં આવી હતી. તેના વકીલે જણાવ્યું હતું કે, અરજદાર આખો દિવસ ક્યાં રહેતો તે તેની વૃદ્ધ માતાને પણ ખબર નહોતી. અરજદાર આરોપી આવા ડિસઓર્ડરથી પીડાય છે, તેવી કોઈ જ માહિતી પોલીસે ચાર્જશીટમાં મૂકી નથી.કોર્ટે પૂછ્યું હતું કે, શું મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ડિસ્ચાર્જ અરજી મૂકાઈ છે? મેજિસ્ટ્રેટે કોઈ ઓપિનિયન આપ્યો છે કે, આરોપી સાઉન્ડ માઇન્ડ હતો કે નહીં? બાયપોલર ડિસઓર્ડર ગંભીર બીમારી છે શું તે આ કેસ સિરિયસ નથી? અરજદારના વકીલે જણાવ્યું હતું કે, અરજદાર હાલમાં તેના ભાઈ અને ભાભી સાથે બેંગલોર રહે છે અને મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. તેની નિયમિત સારવાર અને દવાઓ ચાલી રહી છે. જો કે, કોર્ટે કહ્યું કે આ ગુનો બહુ મોટો નહોતો, પરંતુ અરજદાર આનાથી કોઈ મોટો ગુનો કરી બેસે તો તેની બાહેધરી કોણ આપશે? જો કે, આ અંગે અરજદારના વકીલ તરફથી જણાવાયું હતું કે, તે અત્યારે સારું જીવન જીવી રહ્યો છે. આ અરજી પણ તેની પૂર્વ પત્નીની મદદથી કરવામાં આવી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, આવા કિસ્સામાં મેજિસ્ટ્રેટ સરકારી મનોચિકિત્સકનો ઓપિનિયન મંગાવી શકે છે અને જાતે પણ ઓપિનિયન આપી શકે છે. હાઇકોર્ટે અરજદારની અરજી ઉપર પક્ષકારોને નોટિસ પાઠવી હતી. મેજિસ્ટ્રેટ ઓપિનિયન મંગાવ્યો છે. તેમજ પ્રોડક્શન રિપોર્ટ, અરજદાર એ મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી કોઈ ફરિયાદ, મેજીસ્ટ્રેટના પગલા, જામીન હુકમ વગેરે મંગાવ્યું છે. સાથે જ તપાસ અધિકારીને હાજર રહેવાનું જણાવી 2 અઠવાડિયા બાદ વધુ સુનાવણી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *