
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વપરાશ પરવાનગી (BU) મેળવ્યા સિવાયની હોસ્પિટલોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના બોપલ સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં આવેલી 9 જેટલી હોસ્પિટલોને સીલ મારવામાં આવી છે. ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવી અને ઇમ્પેક્ટ ફી ભરવા માટેની સૂચના આપી છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા સવારે આ હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના સાઉથ બોપલ, જુહાપુરા અને મકતમપુરા વિસ્તારમાં બીયુ પરમિશન વિનાની વપરાશ ચાલુ રાખેલી હોય તેવી હોસ્પિટલોને બાંધકામની નિયમાનુસાર વપરાશ પરવાનગી મેળવી લેવા તેમજ ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ નિયમિત કરાવી લેવા નોટીસ પાઠવવામાં આવી હતી. વારંવાર મૌખિક સૂચના આપવા છતાં તેઓ દ્વારા વપરાશ પરવાનગી કે બાંધકામ નિયમિત કરાવેલ હોવા અંગેના કોઈ અધિકૃત પુરાવા રજૂ કર્યા નહીં અને વપરાશ શરૂ રાખેલો હોવાથી જાહેર સલામતીના ભાગરૂપે હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં BU મેળવેલ ન હોય કે ઇમ્પેક્ટ ફી અંતર્ગત બાંધકામ નિયમિત કરાવેલ ન હોય તેવા મલ્ટીપ્લેક્ષ, શૈક્ષણિક સંસ્થાઓ વિગેરે જેવા એસેમ્બલી પ્રકારના એકમોનો વપરાશ બંધ કરાવવા અંગે સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.