શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગેની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખોરાકમાં જીવાત નીકળવી કે પછી તેનું અખાદ્ય હોવું, જેવી ફરિયાદોને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની બાબત ગંભીર ચિંતાનો વિષય બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગર પાલિકા (AMC) દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક મોટું અને મહત્ત્વનું પગલું લેવામાં આવ્યું છે.
પાંચ માળની લેબ, ઝડપી રિપોર્ટ
હાલમાં મહાનગર પાલિકા પાસે બે ફૂડ લેબ કાર્યરત છે, જ્યાં ખાદ્ય પદાર્થોના સેમ્પલની તપાસ કરવામાં આવે છે. જોકે, આ પ્રક્રિયામાં સુધારો લાવવા અને તપાસને વધુ ઝડપી તથા સચોટ બનાવવા માટે, AMC હવે અત્યાધુનિક ફૂડ લેબ વિકસાવવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મહાનગર પાલિકાના આયોજન મુજબ, આ નવી ફૂડ લેબ ₹29 કરોડના જંગી ખર્ચે તૈયાર થશે અને તે પાંચ માળની ભવ્ય ઇમારત હશે.
ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગેની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો
આ લેબમાં તમામ પ્રકારના ખાદ્ય પદાર્થો, પીણાં અને ખાણી-પીણીની વસ્તુઓનું અત્યાધુનિક મશીનરી દ્વારા ચેકિંગ શક્ય બનશે. હાલમાં એક સેમ્પલ લીધા બાદ તેનો ગુણવત્તા રિપોર્ટ આવતા આશરે 14 દિવસ જેટલો લાંબો સમય લાગે છે, પરંતુ મનપા દાવો કરી રહી છે કે આ નવી લેબમાં રિપોર્ટિંગની પ્રક્રિયા ખૂબ જ ઝડપી બનશે. મહાનગર પાલિકા આ નવી સુવિધાને દેશની સૌથી અત્યાધુનિક ફૂડ લેબ હોવાનો દાવો પણ કરી રહી છે. આ લેબ તૈયાર થવાથી ખાદ્ય સુરક્ષાના માપદંડોનું સખત પાલન કરાવી શકાશે અને અખાદ્ય ખોરાક વેચતા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં મદદ મળશે, જેનાથી અમદાવાદના નાગરિકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે.