અમદાવાદમાં જાહેર સ્થળો પર તેમજ ખાનગી મોટી સંસ્થાઓ વગેરે જગ્યાએ રખડતા કૂતરાની સમસ્યાઓને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ

Spread the love

 

અમદાવાદમાં જાહેર સ્થળો પર તેમજ ખાનગી મોટી સંસ્થાઓ વગેરે જગ્યાએ રખડતા કૂતરાની સમસ્યાઓને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇન મુજબ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલો, જાહેર સ્થળો તેમજ મોટી સંસ્થાઓમાં રખડતા કૂતરાને લઈ કામગીરી કરવા માટે નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. આવી જગ્યાઓ ઉપર રખડતા કૂતરાને અટકાવવા માટે સિક્યુરિટીની જવાબદારી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતોમાં નોડલ ઓફિસર નિમવા માટેની સૂચના આપવામાં આવી છે. જાહેર સ્થળો અને ખાનગી શૈક્ષણિક સંસ્થા વગેરે જગ્યાએ એક અઠવાડિયામાં પરિપત્ર કરી નોડલ ઓફિસર નિમવાનો રહેશે. CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, જાહેર સ્થળો જેવા કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ મોટી હોસ્પિટલો તેમજ ખાનગી એકમો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેવા એકમોને આ અંતર્ગત આવરી લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાની સમસ્યાને લઈ નોડલ ઓફિસરને આ કામગીરી અંગેની તાલીમ પણ આપવામાં આવશે. સંસ્થાઓમાં કોઈપણ જગ્યાએ પ્રીમાઇસીસમાં કચરો ના નાખવામાં આવે, સંસ્થાને ચારે તરફથી દીવાલથી કવર કરેલી હોવી જોઈએ. સંસ્થામાં કેટલા ડસ્ટબિન રાખવામાં આવેલા છે. અગાઉ કૂતરા કરડવાનો બનાવ બનેલો છે કે કેમ તેની પણ વિગતો આપવાની રહેશે. રખડતા કૂતરાને પ્રિમાઇસીસમાં અટકાવવા માટે સિક્યુરિટી પૂરતી રાખવાની રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશન પણ વિવિધ એકમમાં જઈ અને ડોગ સ્ટોરલાઈઝ છે કે કેમ, કોઈ ડોક્યુમેન્ટ છે કે કેમ તેની ચકાસણી કરશે. હાલના તબક્કામાં કોર્પોરેશન દ્વારા ડોગને જે તે એકમમાંથી દૂર કરવાની કામગીરી નહીં કરાય, પરંતુ આગામી દિવસોમાં જ્યારે ડોગને રાખવાની વ્યવસ્થા ઊભી થઈ જશે. ત્યારે ધીરે ધીરે આવા ડોગને એકમોમાંથી દૂર કરવામાં આવશે. શહેરના પાલડી વિસ્તારમાં ફરી રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો હતો. થોડા દિવસ પહેલા જ BLO તરીકે ફરજ બજાવનાર મહિલા શિક્ષિકાને રખડતા કૂતરાએ કરડવાની ઘટના બની હતી. જે બાદ ફરીવાર પાલડીમાં રત્ન રુચિકા વાટિકા નામની સોસાયટીમાં ત્રણ લોકોને કૂતરા કરડવાની ઘટના બનતા ત્રણેયને સારવાર લેવાની ફરજ પડી હતી. ત્રણ કૂતરાઓ કરડ્યા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા સોસાયટીમાં કૂતરાને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરીને આ કૂતરાને પકડવામાં આવશે. સોસાયટીમાં એક કૂતરું લોકોને વધારે પાછળ પડતું હોવાથી ટીમ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યું હતું. શહેરમાં હાલમાં 2 લાખથી વધુ કૂતરાની સંખ્યા છે અને ખસીકરણ કરવા માટે માત્ર બે ટીમ કાર્યરત છે, જ્યારે દરેક ટીમમાં 4થી 5 માણસો છે. પહેલાં 4 ટીમ હતી અને દરરોજ 150 કૂતરાઓનું ખસીકરણ થતું હતું. હાલ દરરોજ માત્ર 35થી 40 જેટલા કૂતરાઓનું ખસીકરણ થાય છે. રોજ 8થી 10 કૂતરા કરડવાની ફરિયાદો આવે છે. રોજના સરેરાશ 164 જેટલા કૂતરા કરડવાના કેસો બનવા પામ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *