અચાનક ઝાડીમાંથી આવેલાં‎ દીપડાએ ટોળા પાછળ દોટ મારી હતી, જેમાં ચાર ‎લોકો ઇજાગ્રસ્ત થયા

Spread the love

 

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઉધમતપુરા કેનાલથી જલાનગર જવાના‎ માર્ગ પર દીપડો આવ્યો હોવાની વાત મળતાં ગ્રામજનો‎ સ્થળ પર ગયા હતા, જ્યાં અચાનક ઝાડીમાંથી આવેલાં‎ દીપડાએ ટોળા પાછળ દોટ મારી હતી, જેમાં ચાર ‎લોકો ઇજાગ્રસ્ત થયા છે.‎ દીપડાએ અચાનક હુમલો કરતાં ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક યુવાનો બચવા માટે કેનાલમાં કૂદી પડયા હતા, જેનો વીડિયો સામે આવ્યો છે. હુમલા‎બાદ દીપડો ફરી ઝાડીઓમાં ફરાર થઇ જતાં વન વિભાગે ‎2 પાંજરાં મૂકી પકડવા કવાયત હાથ ધરી છે.‎
ઠાસરા તાલુકામાં આવેલા ઉધમતપુરાથી જલાનગર ‎જવાના માર્ગ પર આવેલી કેનાલ પાસે દીપડો દેખાયો ‎હોવાની ચર્ચા બાદ મંગળવારે કેટલાક યુવકો કેનાલ પાસે‎ તપાસ કરવા અને દીપડો જોવા ગયા હતા. આ સમયે‎ આસપાસનાં ગ્રામજનો પણ એકત્ર થઈ જતાં કેનાલની‎ આસપાસ મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું. લોકો‎ કેનાલની બંને તરફ દીપડાને શોધી રહ્યા હતા. આ ‎દરમિયાન અચાનક દીપડો ઝાડી-ઝાંખરામાંથી નીકળી‎ ટોળા તરફ દોડી આવતાં લોકોમાં નાસભાગ મચી ગઇ‎ હતી. આ દરમિયાન દીપડાએ હવામાં છલાંગ લગાવી એક યુવક પર હુમલો કર્યા બાદ ઝાડીમાં ભાગી ગયો હતો, જોકે એ પહેલાં દીપડાએ ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. એમાં વિનુભાઇ રાઠોડ, અર્જુનભાઇ તળપદા, પ્રવેશકુમાર પરમાર અને જયેશભાઇ પરમાર દીપડાના હુમલાના કારણે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. એમાં સૌથી વધુ ઇજા અર્જુનભાઇ તળપદાને પહોંચતાં તેમને વધુ સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા સીમ વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યાં છે અને એને પકડવાની કવાયત શરૂ કરવામાં આવી છે, જોકે હજી સુધી દીપડો પાંજરે ન પુરાતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગામના સ્થાનિક કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે 1:30 વાગ્યાની આસપાસ અમને જાણવા મળ્યું હતું કે ઉધમપુરા ગામની સીમમાં દીપડો આવ્યો છે. એ બાદ અમે ગામની સીમમાં પહોંચ્યા ત્યારે દીપડો જોયો હતો. મોટી સંખ્યામાં લોકો હોવાથી દીપડો ત્યાંથી નીકળવા માટે પ્રયત્ન કરતો હતો. એ દરમિયાન દીપડો નીકળ્યો એ બાજુ ચાર-પાંચ માણસો હતા તેમની પર એણે હુમલો કર્યો હતો. આ ચાર માણસોને સરકારી દવાખાનામાં મોકલવામાં આવ્યા હતા. એ બાદ મોટી કેનાલની પાળ તરફ દીપડો જતો રહ્યો હતો. બાબુભાઈ પરમારે જણાવ્યું હતું કે અમને દીપડાના સમાચાર મળ્યા હતા, જે બાદ ગ્રામજનો દીપડાને જોવા માટે આવ્યાં હતાં. આશરે હજાર માણસ ભેગું થયું હતું. ત્રણ-ચાર માણસો ઉપર હુમલો કર્યો હતો, જેમને પ્રાથમિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમે વન વિભાગને જાણ કરી હતી, જે બાદ દીપડાને પકડવા માટે પાંજરાં આવી ગયાં હતાં, જોકે દીપડો પકડાય નહીં ત્યાં સુધી ગામના લોકોમાં ભયનો માહોલ રહેશે. આ અંગે ખેડા જિલ્લા ફોરેસ્ટ અધિકારીએ વીડિયોમાં લોકોને દીપડાથી સાવચેત રહેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને સીમ વિસ્તારમાં બિનજરૂરી બહાર ન નીકળવા, બાળકોને ઘરની બહાર ન જવા દેવા અને બહાર બાંધેલાં ઢોરોની પાસે ન સૂવા જેવી સૂચનાઓ આપી છે.
3 વર્ષ પહેલાં ઝાબાની મુવાડી હાથનોલી નજીક હલધરવાસના ખેતરમાં ભરતભાઈ ગોપાલભાઈ ગોહેલ બકરા ચરાવવા માટે ગયા હતા, જેમાં‎ ઝાડીઓમાંથી અવાજ આવતાં એ જોવા માટે ગયા હતા. એ દરમિયાન દીપડાએ હુમલો કર્યો હતો. ભરતભાઈને હાથના ભાગે અને પગના ભાગે‎ ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ભરતભાઇને હલધરવાસ આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં વન વિભાગ દ્વારા ‎દીપડાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સેવાલિયાના થર્મ ખાતે પણ થોડા મહિના અગાઉ દીપડાએ દેખા દીધી હતી અને ત્યાં પણ બે દીપડા ‎રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *