
મહેસાણા તાલુકાના વીરતા ગામે ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગત રાત્રિના 12 વાગ્યાના અરસામાં બે તસ્કરો ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં ઘૂસ્યા હતા અને ગર્ભગૃહના બંધ દરવાજાનાં તાળાં તોડીને માતાજીને અર્પણ કરાયેલા લાખોના આભૂષણો, ચાંદીનું છત્ર અને કીમતી પાદુકાઓની ચોરી કરી ગયા હતા. આ ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTVમાં કેદ થઈ છે, જેમાં એક તસ્કર બહાર વોચ રાખતો અને બીજો તસ્કર નકાબ બાંધીને અંદર ચોરી કરતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં બે ચોરીની ઘટના સામે આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
મહેસાણા તાલુકાના વીરતા ગામે 2 ડિસેમ્બરની રાત્રિના 12 વાગ્યાના અરસામાં બે તસ્કરો ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં ચોરી કરવા ઘૂસ્યા હતા, જ્યાં ચોરોએ મંદિરના ગર્ભગૃહના બંધ દરવાજાનાં તાળાં તોડી મંદિરમાં ઘૂસ્યાં હતાં. આ દરમિયાન મંદિરમાં માતાજીને અર્પણ કરવામાં આવેલા લાખોના આભૂષણો તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. CCTV કેમેરામાં જોવા મળી રહ્યું છે કે એક તસ્કર મંદિર બહાર વોચ રાખી રહ્યો છે. ત્યારે બીજા તસ્કરે મોઢે નકાબ બાંધી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને સૌપ્રથમ માતાજીની સામે પડેલી કીમતી પાદુકાઓ ચોરી પોતાના કિસ્સામાં મૂકી. ત્યાર બાદ ત્યાં લાગેલું ચાંદીનું મોટું છત્ર ખેંચી તોડીને પોતાના સાથે લઈ ગયો હતો. ત્યાર બાદ માતાજીને પહેરાવવામાં આવેલા કીમતી આભૂષણો પણ તસ્કર ચોરી કરતો કેમેરામાં જોવા મળ્યો હતો.
સમગ્ર ચોરીની ઘટના અંગે જિલ્લા પંચાયતના પાંચોટ બેઠકના ડેલીકેટ મુકેશ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તસ્કરોએ એક અઠવાડિયામાં આ બીજી ચોરી કરી છે. વેરાઈ માતાજીના મંદિરમાં માતાજીને ચડાવવામાં આવેલું ચાંદીાનું છત્ર અને ચાર કીમતી પાદુકાઓ ચોરી ગયા હતા, જેમાંથી એક પાદુકા રાત્રિના નાસભાગ દરમિયાન મંદિર પરિસરમાં પડી ગઈ હતી. સમગ્ર ચોરીની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જાણી શકાશે કે તસ્કરો કેટલાની અને શું શું ચોરી ગયા છે. હાલમાં તો ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.