
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દારૂબંધીને લઈ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતાં હવે મહિલા મંત્રી રીવાબા જાડેજાએ મોરચો સંભાળતાં કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરી અને દારૂના કારણે મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ગંભીર બન્યો હોવાનું ટ્વીટ કરતાં રીવાબાએ વળતો જવાબ આપ્યો છે. ટ્વીટમાં લખ્યું છે કે દેશમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ સરેરાશ 4 ટકા છે, એની સામે ગુજરાતમાં ફક્ત 1.48 ટકા જ છે, સાથે કહ્યું હતું કે યાદ રાખજો… 2027માં ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં રહી જશે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરી લખ્યું હતું કે ગુજરાતમાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન લોકોએ, ખાસ કરીને મહિલાઓએ વારંવાર કહ્યું છે કે રાજ્યમાં વધતા નશા, ગેરકાયદે દારૂ અને ગુનાખોરીને કારણે તેમના જીવનમાં અસુરક્ષા પેદા કરી દીધી છે.
ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ રહી છે. જ્યાં સત્ય, નૈતિક્તા અને ન્યાયની પરંપરા રહી છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રદેશમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં મહિલાઓ સામેનો ક્રાઈમ રેટ ફક્ત 1.48 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ 4 ટકા કરતાં અડધો છે. માતાઓ-બહેનોની સુરક્ષામાં ગુજરાત પ્રથમ નંબર હતું, છે અને આગળ પણ રહેશે. 2027માં ગુજરાત ચૂંટણીમાં યાદ રાખજો, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમાઈને રહી જશે. રીવાબા જાડેજા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડ રવીન્દ્ર જાડેજાનાં પત્ની છે. જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપનાં ધારાસભ્ય છે. તેમને પ્રથમ ટર્મમાં જ રાજ્ય સરકારમાં મંત્રીપદ મળ્યું છે. હાલ તેઓ શિક્ષણ રાજ્યમંત્રી તરીકે કાર્યરત છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રીવાબા જાડેજા સૌથી નાની ઉંમરનાં અને પૈસાદાર મંત્રી છે.