રાજકોટના ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર ‘લાલો’ ફિલ્મનું પ્રમોશન

Spread the love

 

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે (2 ડિસેમ્બર) લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન થયેલી અફરાતફરી મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે. ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખી લાલો ફિલ્મના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા, જેને લીધે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના PSI ફરિયાદી બન્યા છે. આ અંગે ફરિયાદ નોંધાતા અને નોટિસ ફટકારાતા ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી જવાબ રજૂ કરવા માટે પોલીસ સમક્ષ હાજર થયા હતા. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSI એન.વી. ચાવડાએ પોતે ફરિયાદી બની કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન રાત્રે 9:15 વાગ્યે સોશિયલ મીડિયામા વીડિયો વાઇરલ થયો કે લાલો ફિલ્મના કલાકારો ક્રિસ્ટલ મોલમાં પ્રમોશન એકિટિવિટી કરવા આવ્યા છે અને આ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમા ભીડ એકત્ર થઈ છે.
પૂર્વમંજૂરી વિના ક્રિસ્ટલ મોલમાં લાલો મૂવીની સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા
જે બાબતનો વીડિયો વાઇરલ થતાં તરત જ ક્રિસ્ટલ મોલ ખાતે જઇ તપાસ કરતાં જાણવા મળ્યું કે ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈ પ્રકારની પૂર્વમંજૂરી વિના ક્રિસ્ટલ મોલ જેવી જાહે૨ જગ્યાએ ગ્રાઉન્ડ ફલોર પર વચ્ચેના ભાગે સ્ટેજ બાંધી લાલો મૂવીના એકટર, ડાયરેક્ટર, પ્રોડયુસર તથા સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યા હતા અને અંદરના તેમજ મોલના બહારના ભાગમાં જાહેર કાર્યક્રમ યોજી ખૂબ જ મોટી ભીડ એકત્ર કરી હતી. ક્રિસ્ટલ મોલના મેનેજર સમીરભાઇ રામજીભાઈ વીસાણી (ઉં.વ.37 રહે. સી-901 સર્વન સફેસ રૈયા રોડ, રાજકોટ) સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાની પરવાનગી વિના જાહેર જગ્યામાં વધારે માણસોને એકત્ર કર્યા હતા, જેથી પોલીસ કમિશનરનું જાહેરનામું 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં અમલમાં હોય એ જાહેરનામાનો ભંગ કર્યો છે, જેથી બી.એન.એસ. કલમ 223 મુજબનો ગુનો નોંધ્યો છે, જેથી તેને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઈન મુજબ બી.એન.એસ.એસ. કલમ 35(1) મુજબની નોટિસ આપવામાં આવી છે અને આ શખસ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે.
ગઇકાલે સાંજે ગુજરાતી ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મના પ્રમોશન સમયે મોટી સંખ્યામાં ચાહકો ઊમટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓવરક્રાઉડને કારણે અનેક બાળકો ફસાયાં હતાં. આ દરમિયાન એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. મોલની ઇલેક્ટ્રિક સીડી (એસ્કેલેટર)ના પગથિયે બાળકી પટકાઈ હતી. બે વ્યક્તિએ દેવદૂત બની તેનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા. આયોજકો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેતાં મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોકે વધુ કોઇ અઘટિત ઘટના ન બને એ ધ્યાનમાં લઈ કલાકારોએ ચાલતી પકડી હતી. ક્રિસ્ટલ મોલમાં ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રૃહાદ ગોસ્વામી સહિતની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. જોકે, આ દરમિયાન કલાકારો સાથે સેલ્ફી લેવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. જેના કારણે ક્રિસ્ટલ મોલમાં વિવિધ માળ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. મોલમાં ઓવર ક્રાઉડના કારણે અનેક બાળકો ભીડમાં ફસાયા હતા અને ધક્કામુકીમાં નીચે પટકાયા હતા. આ ગંભીર ઘટનામાં એક બાળકીનો જીવ માંડ માંડ બચ્યો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા હતા. ઓવર ક્રાઉડના દબાણને કારણે બાળકી મોલની એસ્કેલેટર (ઇલેક્ટ્રિક સીડી)ના પગથિયા પર જોરથી પટકાઈ હતી. જો સમયસર કોઈએ મદદ ન કરી હોત તો બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોત અથવા તો તેનો જીવ પણ જાત. જોકે, આ સમયે સદભાગ્યે ત્યાં હાજર બે વ્યક્તિઓ દેવદૂત બનીને બાળકીની મદદે આવ્યા હતા અને સમયસૂચકતા વાપરીને બંનેએ બાળકીનો હાથ પકડી તાત્કાલિક ભીડમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી.
જોકે, આ ઘટનામાં અનેક નાના બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ દેખાતું હતું કેે, આયોજકો વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ રહ્યા હતા. તો બીજી તરફ ફિલ્મ ‘લાલો’ના પ્રમોશન માટે આવેલા કલાકારોએ પણ અફરાતફરીનો માહોલ જોતાં તાત્કાલિક કાર્યક્રમ પડતો મુક્યો હતો. વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે ધ્યાને લઈને કલાકારોએ તાત્કાલિક મોલમાંથી વિદાય લીધી હતી અને આ કલાકારોએ રાજકોટમાં પોતાના પ્રમોશનનો કાર્યક્રમ ટૂંકાવ્યો હતો. આ ઘટનાએ જાહેર કાર્યક્રમોના આયોજનની સુરક્ષા અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય ત્યારે સુરક્ષા-વ્યવસ્થાના પૂરતા બંદોબસ્તની જવાબદારી મોલ ઓથોરિટી અને કાર્યક્રમના આયોજકોની હોય છે, પરંતુ આ કિસ્સામાં તેમની ઘોર બેદરકારી સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન મોલમાં હાજર લોકોએ આયોજકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કલાકારોને જોવા માટે તેનો જે ઉત્સાહ હતો તે વ્યવસ્થાના અભાવે ભયમાં ફેરવાઈ ગયો હતો. આ પ્રકારના મોટા કાર્યક્રમોમાં પોલીસ બંદોબસ્તની સાથે જ સ્વયંસેવકોની પૂરતી સંખ્યા હોવી અનિવાર્ય છે, જેનો અહીં અભાવ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવે અને ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા થાય તેવી માગ લોકોએ કરી હતી.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI હરેશ પટેલે જણાવ્યું હતું કે, ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન માટે કલાકારો આવ્યા હતા તે આયોજકોના બોલાવવાથી આવ્યા હતા. જેથી આયોજક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગઈકાલે (2 ડીસેમ્બર) રાત્રે જ મેનેજરની અટકાયત કરવામાં આવી હતી જે બાદ જામીન પર તેઓ મુક્ત થયા હતા. જાહેરનામા ભંગમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ‘પુષ્પા’ના અલુ અર્જુન અને ‘રઇસ’ના શાહરૂખ ખાન વિરુદ્ધ આ પ્રકારના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવેલી છે તો રાજકોટના કિસ્સામાં કલાકારો સામે શા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, તે વખતનો ઇન્સિડન્ટ કંઈક અલગ હશે. આમ છતાં પણ આ કિસ્સામાં કયા પ્રકારના પેરામીટર્સ લાગુ પડે છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *