વાપીઃ છ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના કેસના આરોપી રઝાક સુભાન ખાનને વાપીની પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આરોપીએ એક શ્રમજીવી પરિવારની બાળકીને ચોકલેટની લાલચ આપી ઝાડીઓમાં લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી. આ ઘટના બે વર્ષ પહેલા બની હતી.
જ્યાં એક શ્રમજીવી પરિવારની છ વર્ષની બાળકીને આરોપી રઝાક ચોકલેટની લાલચ આપી લઈ ગયો અને તેના પર બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આરોપીએ બાળકીની બર્બરતાપૂર્વક હત્યા કરી હતી. ત્યારબાદ પોલીસે આ કેસમાં આરોપીની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હવે કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી છે.
વાપીની વિશેષ પોક્સો કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી. સરકારી વકીલ તરીકે બાળકી તરફથી પબ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાલા અને અનિત ત્રિપાઠીએ કેસ લડ્યો હતો. બંને વકીલોની દલીલો અને મજબૂત પૂરાવાના આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા
આરોપીની ફાંસીની સજા થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પ્રતિક્રિયા આપી છે. હર્ષ સંઘવીએ કહ્યુ કે બે વર્ષ પહેલા વલસાડના એક નાના ગામમાં દર્દનાક ઘટના બની હતી. છ વર્ષની બાળકી સાથે અપરાઘ કરનાર રઝાક સુબાન ખાનને હવે માનનીય કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ અત્યંત ગરીબ પરિવાર છે અને મજૂરી કરી ભરણપોષણ કરે છે. ઘટના બાદ અમે નક્કી કર્યું હતું કે પરિવારને ન્યા અપાવવામાં આવશે. ગુજરાત પોલીસે તકનીકનો ઉપયોગ કરતા 48 કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી. માત્ર 19 દિવસમાં વૈજ્ઞાનિક પુરાવા સાથે ચાર્જશીટ દાખલ કરવામાં આવી. નારી સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે હવે ન્યાય માત્ર મળતો નથી, ઝડપથી મળે છે.