
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં મમતાને લજવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાસણા-હરસોલી રોડ ઉપર એક નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકને તરછોડી દેતાં લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે. જોકે દહેગામના ગણેશપુરા ગામના એક નિઃસંતાન દંપતીએ આ બાળકના દેવદૂત બની સમયસર મદદ કરી તેને નવજીવન આપી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે દહેગામના ગણેશપુરા ગામના મોહનસિંહ રાઠોડ વાસણા-હરસોલી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ નજીકની ઝાડીમાં લઘુશંકા અર્થે ગયા હતા. ત્યારે અચાનક જ તેમને નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. આથી કુતૂહલવશ તેમણે વનરાજી વિસ્તારમાં તપાસ કરતાં એક ગોદડીમાં લપેટેલું નવજાત બાળક જીવન-મરણના જોલા ખાઈ રહ્યું હતું. આ દ્રશ્ય જોઈને નિઃસંતાન મોહનસિંગ આશ્ચર્યચકિત થઈ હચમચી ઊઠ્યા ગયા હતાં. તેમણે પળવારમાં જ નવજાત બાળકને તેડી લીધું હતું અને આસપાસના વિસ્તારમાં નિષ્ઠુર જનેતાની શોધખોળ આદરી હતી. પરંતુ નિષ્ઠુર માતાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જોકે બાળક માતાની હૂંફ વિના સતત રડી રહ્યું હોવાથી મોહનસિંગે માનવતા દાખવી તેને લઈને તુરંત પોતાના ઘરે ગયા હતા. જ્યાં મોહનસિંગની પત્નીએ પણ બાળકની સંભાળ લીધી હતી. બાદમાં દંપતી તાત્કાલિક રિક્ષામાં નવજાત શિશુને દહેગામની જાણીતી પ્રથમ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જોકે મોહનસિંગના કહેવા મુજબ જાણીતી પ્રથમ હોસ્પિટલ દ્વારા બાળક માટે જગ્યા નહીં હોવાનું કહીને તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી હતી. આથી નિઃસંતાન દંપતીએ પળનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે દંપતી નવજાત શિશુને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે આવી પહોંચ્યું હતું. અહીં ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરીને હાલમાં બાળકને સઘન સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતાં દહેગામ પોલીસે પણ નિષ્ઠુર માતાને શોધવા માટે ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધર્યો છે. પોલીસે બાળકની માતાને શોધી કાઢવા માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.