હજીરામાં પાણીની ટાંકીમાં બાળક ડૂબી જવાથી કરુણ મોત

Spread the love

 

સુરત શહેરમાં માતા-પિતા તેમજ હાઉસિંગ સોસાયટીઓ માટે બાળ સુરક્ષાના મુદ્દે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. હજીરાના મોરા ટેકરા ગામની તપોવન કોલોની ખાતે રહેતા નિષાદ પરિવારના ત્રણ વર્ષના માસૂમ પુત્ર દિવ્યેશ શ્રીરામ નિષાદનું રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જવાથી દર્દનાક મોત નીપજ્યું છે. જે અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને વ્યવસાયે પેન્ટર એવા શ્રીરામ નિષાદ તેમના બે બાળકો સાથે તપોવન કોલોની, પટેલ હાઉસ, મોરા ટેકરા, હજીરા ખાતે રહે છે. ગત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે તેમનો ત્રણ વર્ષનો પુત્ર દિવ્યેશ ઘર નજીક રમી રહ્યો હતો. શ્રીરામ નિષાદે જણાવ્યું હતું કે પરિવાર ને લાગ્યું કે બાળક બહાર રમી રહ્યો હશે. પરંતુ રમતા રમતા બાળક અજાણતાં મકાનની નીચે આવેલી પાણીની ટાંકી સુધી પહોંચી ગયો હતો. દુર્ઘટનાનું મુખ્ય કારણ એ હતું કે, જે સ્થળે ટાંકી આવેલી છે અને જ્યાં રસ્તો પણ છે, તે ટાંકીનું ઢાંકણું ખુલ્લું હતું. રમતા રમતા દિવ્યેશ આ ખુલ્લી ટાંકીમાં જઈ પડ્યો હતો. થોડા સમય બાદ જ્યારે બાળક ન મળતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પિતાના ભાઈ સહિત પરિવારજનોએ બાળકની શોધ કરી, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહીં. આખરે જ્યારે પાણીની ટાંકીમાં તપાસ કરવામાં આવી, ત્યારે દિવ્યેશ અંદરથી મળી આવ્યો હતો.
બાળકને તાત્કાલિક બહાર કાઢીને પાડોશમાં રહેતા વ્યક્તિએ હોસ્પિટલને જાણ કરી હતી અને તેને તાબડતોબ નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ માસૂમ દિવ્યેશને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. માસૂમ દીકરાના અકાળે અવસાનથી નિષાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. શ્રીરામ નિષાદના જણાવ્યા મુજબ, બાજુમાં ટાંકી છે અને ત્યાં જ રસ્તો છે, ટાંકીનો ઢાંકણ ખુલ્લો હતો અને પડી ગયો. ટાંકીનું ઢાંકણું ખુલ્લું રહેવું એ બેદરકારીનું સૌથી મોટું ઉદાહરણ છે. ઘરની આસપાસના જોખમી સ્થળોને સુરક્ષિત કરવા અને ખાસ કરીને નાના બાળકો પર સતત ધ્યાન રાખવું કેટલું જરૂરી છે, તે આ કરુણ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે. સમગ્ર મામલે વધુ તપાસ ઇચ્છાપોર પોલીસે હાથ ધરી છે. આ ઘટના એવા તમામ માતા-પિતા અને રહેણાંક સોસાયટીઓ માટે એક ગંભીર ચેતવણી છે, જેઓ ઘરની આસપાસની જોખમી જગ્યાઓ જેમ કે ખુલ્લી પાણીની ટાંકીઓ, સેપ્ટિક ટેન્ક કે ખાડાઓ પર ધ્યાન આપતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *