
4 ડિસેમ્બર, 2025એ રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં દિલ્હીના નિર્ભયાકાંડ જેવી જ અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી છે. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી જઈ ત્રણ સંતાનના પિતા એવા નરાધમે પીંખી નાખી હતી. એટલું જ નહીં, દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી તેને લોહીલુહાણ કરી દીધી હતી. બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં નરાધમ તેને એ જ હાલતમાં ત્યાં મૂકીને નાસી છૂટ્યો હતો. મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં. આ શબ્દો કણસતા અવાજે આટકોટ દુષ્કર્મનો આરોપી રામસિંહ બોલી રહ્યો છે. પોલીસના ફાયરિંગથી ફફડી ઊઠ્યો છે આટકોટ દુષ્કર્મનો આરોપી. તપાસ દરમિયાન પોલીસ જ્યારે આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ ગઈ એ દરમિયાન આરોપી રામસિંહે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચી હતી. આ દરમિયાન રામસિંહ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય એ માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેને પગમાં ગોળી વાગી હતી.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ અને જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી હતી. પૂછપરછમાં રામસિંહે જણાવ્યું હતું કે તેણે ગુનો આચરતી વખતે જે લોખંડનો સળિયાનો ઉપયોગ કર્યો હતો એ ખેતરમાં ફેંકી દીધો હતો. આ માહિતીના આધારે 10 ડિસેમ્બર બુધવારના રોજ પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખીને આરોપી રામસિંહને કાનપુર ગામની સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ખેતરમાં આરોપી ભાગિયા તરીકે ખેતી કામ કરતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ જવામાં આવ્યો હતો. એ દરમિયાન રામસિંહે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. રામસિંહ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય એ માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસ ફાયરિંગમાં આરોપી રામસિંહને બંને પગે ઈજા પહોંચી હતી. પોલીસકર્મચારીને પણ ઈજા થવાથી બંનેને તાત્કાલિક આટકોટની કે.ડી.પી હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ દ્વારા આરોપી રામસિંહ વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રુકાવટ અને પોલીસ પર હુમલો કરવાનો વધુ એક ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મની ઘટનામાં પીડિતા મૂળ દાહોદની રહેવાસી છે અને ભાગિયા તરીકે ખેતરમાં કામ કરે છે. કાનપુર ગામના સીમ વિસ્તારમાં આ ઘટના બની હતી. આરોપીને પકડવા 10 ટીમ બનાવી હતી અને 10 કિલોમીટરના સીસીટીવીનું એનાલિસિસ કર્યું હતું, જેમાંથી 10 શકમંદ બચ્યા હતા. ત્યાર બાદ ચાઇલ્ડ કાઉન્સેલેર, મહિલા પોલીસ તથા ડોક્ટરની હાજરીમાં પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.
આરોપીએ પૂછપરછમાં કહ્યું કે તે નજીકના ખેતરમાં જ કામ કરે છે અને તેની પાસેના ખેતરમાં પીડિતાનાં મામા-મામી પણ કામ કરે છે. બાળકીનાં મામી બપોરે રૂમમાં સૂતાં હતાં અને 12 વાગ્યે બાળકો રમતાં હતાં, તેમાંથી આ બાળકી સૌથી મોટી હતી. તેણે બાળકીને ચોકલેટની લાલચ આપી પાણીની ટાંકી પાછળ લઈ ગયો અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ ન થતાં પીડિતાના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઘુસાડવાનો પ્રયાસ કર્યો, જેનાથી બાળકીને ઇજા થઈ અને બ્લીડિંગ શરૂ થઈ ગયું. ત્યાર બાદ પીડિતાએ મામા-મામીને આ અંગે વાત કરતાં તેમણે તેને હોસ્પિટલમાં દાખલ કરી અને પોલીસને જાણ કરી હતી. આરોપી રામસિંહ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે. તેની ઉંમર 30 વર્ષ છે અને તેને પોતાને 13 વર્ષની દીકરી અને બે નાના દીકરા છે. ઘટનાસ્થળે FSLની ટીમ મોકલીને સેમ્પલ લેવામાં આવ્યાં છે તેમજ પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને પોલીસવડાનો સ્પષ્ટ નિર્દેશ છે કે જલદીથી જલદી ચાર્જશીટ કરવામાં આવે અને દોષિતને સજા મળે. એના માટે એક ટીમ કામ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે એવું કોઈ પ્લાનિંગ કર્યું નહોતું. તેણે બાળકીને જોઈને તેનામાં વિકૃતિ આવી અને આ કૃત્ય કર્યું હતું. આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. મેડિકલ રિપોર્ટ બાદ જરૂર પડશે તો વધુ કલમો ઉમેરાશે.
4 ડિસેમ્બરે જ્યારે બનાવ બન્યો ત્યારે તેનાં મામા-મામીને એવું લાગ્યું કે છોકરી રમતાં રમતાં પડી ગઈ એટલે ઈજા થઈ છે એવું લાગ્યું હતું. ત્યાર બાદ હોસ્પિટલે લઈ ગયા અને ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન 24 કલાક મહિલા કોન્સ્ટેબલ પીડિતા સાથે જ હતી. જ્યારે છોકરીની માનસિક અને શારીરિક સ્થિતિ સારી થઈ અને ડોક્ટરે રિપોર્ટ આપ્યો કે બાળકી સેક્સ્યૂઅલી ભોગ બની છે. આ રિપોર્ટ આવ્યા બાદ તરત જ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બનાવને પગલે આટકોટ અને આસપાસના વિસ્તારોમાં ચિંતા અને રોષનું વાતાવરણ ફેલાયું છે. સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો બાળકી માટે ઝડપી અને કડક ન્યાયની માગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બાળકીની હાલત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જસદણના આટકોટના કાનપરની સીમમાં વાડીમાં મજૂરી કરતાં મૂળ દાહોદનાં એક દંપતી ચોથી ડિસેમ્બરના રોજ સવારે કામમાં વ્યસ્ત હતાં. તેમની 6 વર્ષની પુત્રી વાડીમાં રમી રહી હતી. એ જ સમયે બાજુના જ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા અને મૂળ મધ્ય પ્રદેશના અલિરાજપુરના વતની રામસિંહ તેજસિંગની નજર તેના પર પડી હતી. રામસિંહ બાળકીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયો અને તેના પર પાશવી દુષ્કર્મ આચર્યું. આટલેથી ન અટકતાં તેણે પાસેથી એક સળિયો લઈ બાળકીના ગુપ્તાંગમાં ઘુસાડી દીધો, જેનાથી બાળકી લોહીલુહાણ બની ગઈ હતી. તે જ ગંભીર હાલતમાં આરોપી તેને છોડીને નાસી ગયો હતો. બાળકીએ તેના સાથે બનેલા અઘટિત કૃત્યની માતા-પિતાને જાણ કરી હતી. તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને વધુ સારવારની જરૂર જણાતાં રાજકોટની જનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. રાજકોટ રીફર કરાતાં આ ઘટનાનો પર્દાફાશ થયો હતો. ઘટનાની ગંભીરતા પારખીને જિલ્લા પોલીસવડા (એસપી) સહિત રાજકોટ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસનાં ચક્રો ગતિમાન કરી મંગળવારે સાંજે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.