વધુ 11 ‘વિકાસશીલ તાલુકા’ જાહેર.. હવે દર વર્ષે વિકાસ માટે 3 કરોડની ગ્રાન્ટ મળશે

Spread the love

 

રાજ્યમાં વધુ 11 તાલુકાને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી હવે આ તાલુકાઓને વિકાસ કામો માટે વર્ષનું કુલ રૂ. 3 કરોડનું અનુદાન મળશે. જેમાં વિકાસશીલ તાલુકા યોજના મુજબ રૂ. 2 કરોડ અને ATVT યોજના હેઠળ રૂ. 1 કરોડનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સમતોલ વિકાસ માટે માનવ વિકાસ સૂચકાંકના 44 સામાજિક-આર્થીક પરિમાણોના આધારે વિકાસશીલ તાલુકાની પસંદગી કરવામાં આવે છે. નવા 11 તાલુકાની પસંદગી તે માપદંડોને ધ્યાને લઈ અને તાજેતરના તાલુકા વિભાજન બાદ 50%થી વધારે ગામો વિકાસશીલ તાલુકામાંથી નવા તાલુકામાં જોડાયા હોય તે આધારે કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે, રાજ્યમાં નવા 17 તાલુકાના ગઠન બાદ આ નિર્ણય વિકાસયાત્રાને વધુ મજબૂત બનાવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ વિકાસ થાય તેવા વિકાસલક્ષી અભિગમ સાથે વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા વિકાસશીલ તાલુકાઓ લાંબા અને ટૂંકા ગાળાના વિકાસ આયોજનથી ઝડપભેર સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત વાર્ષિક ₹2 કરોડ તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો (ATVT) વિકાસશીલ તાલુકા યોજના અન્વયે વાર્ષિક ₹1 કરોડ, એમ સમગ્રતયા કુલ ₹3 કરોડની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર જે નવા 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે તેમાં કદવાલ (જિ. છોટાઉદેપુર), ઉકાઈ (જિ. તાપી), ગોવિંદ ગુરુ લીમડી (જિ. દાહોદ), સુખસર (જિ. દાહોદ), ચીકદા (જિ. નર્મદા), રાહ (જિ. વાવ થરાદ), ધરણીધર (જિ. વાવ થરાદ), ઓગડ (જિ. બનાસકાંઠા), હડાદ (જિ. બનાસકાંઠા), ગોધર (જિ. મહીસાગર), નાનાપોંઢા (જિ. વલસાડ)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીના આ પ્રજાભિમુખ નિર્ણયને પરિણામે રાજ્યની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં આ નવા 11 વિકાસશીલ તાલુકાઓ પણ પોતાનું વધુ ઉત્કૃષ્ટ યોગદાન આપી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *