યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો છે, જ્યાં તેમને બંધક બનાવીને તેમની મુક્તિ માટે 2 કરોડ જેટલી તોતિંગ ખંડણીની માંગ કરવામાં આવી રહી છે.
પીડિત પરિવારે આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે.
બંધક બનાવાયેલા કિસ્મતસિંહે તેના કાકાને કોલ પર કહ્યું હતું કે, કાકા જે હોય એ ક્લિયર કરાવો, બે દિવસથી ખાવા નથી આપ્યું અને સ્વેટર કાઢીને બેસાડી રાખ્યો છે. દેવાંશી(પત્ની) અને મારી દીકરીને અલગ રાખી છે. આ ભાઈના નંબર પર વાત કરી જે હોય એ ક્લિયર કરો.
દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા પણ લીબિયા મોકલી દીધા
મહેસાણાના બાદલપુરા ગામના રહેવાસી કિસ્મતસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબેન, અને તેમની 3 વર્ષની બાળકીને દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા. જોકે, કથિત રીતે એજન્ટોએ તેમને છેતરીને પોર્ટુગલને બદલે લીબિયા મોકલી દીધા હતા.
લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવામાં આવ્યો છે. અપહરણકર્તાઓ દ્વારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અપહરણકર્તાઓ દ્વારા શરૂઆતમાં $54,000 (લગભગ ₹45 લાખ)ની માંગણી કરવામાં આવી હતી. જોકે, આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા માટે હવે ₹1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી હોવાના અહેવાલ છે. આ રકમ $54,000 સાથે મળીને લગભગ 2 કરોડ સુધી પહોંચી શકે છે.
29 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યે દુબઇ જવા નીકળ્યા હતા
આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કિસ્મતસિંહના કુટુંબી કાકા દશરથસિંહે જણાવ્યું કે મહેસાણા તાલુકાના બદલપુરા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં 35 હજારની નોકરી કરતા કિસ્મત સિંહ ચાવડા, હીના બેન અને તેમની દીકરી 29 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યે દુબઇ જવા નીકળ્યા હતા. ત્યાર બાદ દુબઇથી આ પરિવાર પોર્ટુગલ જવાનો હતો.
‘બંધક કિસ્મત સિંહ 4 વર્ષથી વિદેશ જવા પ્રયાસ કરતો’
કિસ્મત સિંહના મોટા ભાઈ નરેન્દ્ર સિંહ 2018થી યુરોપમાં રહે છે અને નોકરી કરે છે. જેથી કિસ્મત સિંહને પણ યુરોપ જવું હોવાથી છેલ્લા ચાર વર્ષથી પ્રયાસ કરી રહ્યા હતા. કિસ્મત સિંહ બે ચાર દેશમાં ફરીને પણ આવ્યા છે. કિસ્મત સિંહને યુરોપ જવાનું હોવાથી મોટા ભાઈ નરેન્દ્ર સિંહે પોતાની પાડોશમાં રહેતા ગુજરાતના હર્ષિત મહેતા ટુર ઓર્ગેનાઇઝ કરે છે તો એનો સંપર્ક કરાવ્યો હતો અને અમુક રૂપિયા પણ એડવાન્સમાં આપ્યા હતા.
આ હર્ષિત મહેતા છ માસ પહેલા કિસ્મત સિંહના પરિવારને બહાર ફરવા પણ લઈ ગયો હતો. તેમજ એક મહિના પહેલા હર્ષિત મહેતા ભારતમાં પણ આવ્યો હતો અને તેણે 28 નવેમ્બરે કિસ્મત સિંહને પાસપોર્ટ આપ્યા હતા
શેર
‘સંપૂર્ણ હેન્ડલિંગ હર્ષિત મહેતા કરતો હતો’
ત્યારબાદ કિસ્મત સિંહ પોતાના પરિવાર સાથે યુરોપ જવા નીકળ્યા હતા અને જેનું સંપૂર્ણ હેન્ડલિંગ હર્ષિત મહેતા કરતો હતો. હર્ષિત મહેતાએ પરિવારને કહ્યું હતું કે તમારે સ્ટેપ બાય સ્ટેપ વિઝા લેતું લેતું જવાનું છે. ત્યારબાદ કિસ્મત સિંહ પરિવાર સાથે દુબઈ ગયા હતા અને બે દિવસ ત્યાં રોકાયા હતા.ત્યારબાદ આગળ ક્યાં જવાનું એમ હર્ષિતને પૂછતાં તેણે જણાવ્યું હતું કે દુબઇ એરપોર્ટથી તમને આગળના દેશમાં જવાના વિઝ મળી જશે. જોકે ક્યા દેશમાં જવાનું છે એ ભોગબનનારને જણાવ્યું નહોતું.
‘પ્લેનમાં લીબિયાના બેંગાજી શહેરમાં ઉતાર્યા હતા’
ત્યારબાદ કિસ્મત સિંહના પરિવારને પ્લેનમાં બેસાડી સીધા લીબિયાના બેંગાજી સિટીમાં ઉતાર્યા હતા. ત્યાં બંધક બનાવી અલગ અલગ નંબરથી ખંડણી માગવામાં આવી હતી. સૌ પ્રથમ 4 તારીખ ફોન આવ્યો ને 54 હજાર ડોલરની માગણી કરી ત્યારબાદ બે કરોડની માગણી કરી હતી.
‘ત્રણ-ચાર દિવસથી કોલ ન આવતા અમે ફોન કર્યો’
વધુમાં જણાવ્યું કે કિસ્મત સિંહ જ્યારે યુરોપ જવા ઘરેથી નીકળ્યા એના ત્રણ ચાર દિવસ થયા છતાં કોલ ન આવતા અમે તેને ફોન કર્યા હતા. ત્યારબાદ અલગ અલગ નંબરથી બંધક બનાવનાર લોકોએ ફોન કર્યા હતા. કિસ્મત સિંહ સાથે કોન્ફરન્સમાં વાત કરાવી ત્યારબાદ રૂપિયાની માગણી કરી હતી.
2023માં અમદાવાદના દંપતીને બંધક બનાવ્યું હતું અમદાવાદના નવા નરોડા ખાતે રહેતો પંકજ પટેલ પત્ની નિશાબેન સાથે અમદાવાદથી ફ્લાઈટમાં હૈદારબાદ પહોંચ્યો હતો. ત્યાંથી આ કપલ વાયા દુબઈ થઈને ફ્લાઈટમાં ઈરાન પહોંચ્યું હતું.
ઈરાન ઊતર્યા પછી કપલનો કોઈ પત્તો મળતો નહોતો. ત્યાર બાદ અચાનક પંકજ પટેલના અમદાવાદ સ્થિત પરિવારને વીડિયો મેસેજ મળ્યા હતા, જેમાં પંકજ પટેલ તેના પરિવારને આજીજી કરતો હતો કે અહીં અમને એજન્ટોએ બંધક બનાવ્યા છે અને તેમને મહેરબાની કરીને તાત્કાલિક પૈસા આપી દો. જો એમ નહીં કરો તો તેઓ અમને મારી નાખશે. ત્યાર બાદ એક બીજો વીડિયો પરિવારને મળ્યો હતો, જેમાં પંકજ પટેલને સૂવડાવી તેના પીઠ પર બ્લેડથી ઘસરકા મારતા બતાવવામાં આવ્યા હતા.