Vadodara:ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓએ રૂા. 5,100 કરોડ સુપ્રીમમાં જમા કરાવ્યાં

Spread the love

 

મુળ વડોદરાના ગુજરાતી ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓએ આજરોજ ગુરુવારે રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતની રજીસ્ટ્રીમાં રૂ. 5,100 કરોડ જમા કરીને સુપ્રીમે ફરમાવેલી શરતનું પાલન કર્યુ હતુ. આ રકમ ભરપાઈ થતાંની સાથે ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓને તમામ ફોજદારી કેસોમાંથી ક્લીનચીટ મળી જાય છે. આ સાથે ઉદ્યોગપતિ નિતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાને ભારતમાં આવવાના દરવાજા ખુલ્યા છે.

અહિં નોંધવુ જરુરી છે કે, દેશના ઉદ્યોગપતિ વિજય માલ્યા, નિરવ ચોક્સી સહિતના બિઝનેસ મેનોએ વિદેશની વાટ પકડી છે. મૂળ વડોદરાના એક માત્ર ગુજરાતી ઉદ્યોગપતિએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પુરેપુરી રકમ નિર્ધારીત સમય મર્યાદા પહેલા જમા કરાવી છે. જેઓ ટૂંક સમયમાં સ્વદેશ આગમન કરે તેવી શકયતા છે.

સાંડેસરા પરીવારના નીકટના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ ગઈ તા. 19મી નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાએ સુપ્રીમ કોર્ટમાં રૂ. 5,100 કરોડ જમા કરવામાં આવ્યા છે. અલબત્ત સુપ્રીમ કોર્ટે આ રાશી જમા કરાવવા માટે તા. 17મી ડિસેમ્બર 2025 સુધીની મહેતલ આપી હતી. અલબત્ત તે પહેલા આ સંપૂર્ણ રકમ જમા કરી દેવામાં આવી છે.વર્ષ 2017ની સી.બી.આઈ.ની એફ.આઈ.આર. મુજબ લ્હેણી પેટે કુલ રકમ રૂ. 5,383 કરોડ દર્શાવી હતી. વર્ષ 2020માં બેંકો દ્વારા કોર્ટના માર્ગદર્શન હેઠળ એક માત્ર સેટલમેન્ટ (ઓ.ટી.એસ.) રૂ. 6,761 કરોડમાં નક્કી કરવામાં આવી હતી. સાંડેસરા બંધુઓ દ્વારા તે વખતે રૂ. 614 કરોડ (10 %) ચુકવણી કરી હતી. એન.સી.એલ.ટી. દ્વારા સંપતીઓની લિક્વિડેશન પ્રક્રિયામાં રૂ. 1,192 કરોડની વસૂલાત થઈ હતી. સને 2021થી 2025ની શરુઆત સુધીમાં કુલ રૂ. 3,507 કરોડ ચુકવાયા હતા. હવે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આજરોજ ચુકવાલેયા રૂ. 5,100 કરોડ સાથે કુલ વસૂલાત થયેલી રકમ રૂ. 9,799 કરોડ થઈ છે. સુપ્રીમ કોર્ટમાં આ રકમ જમા થતાંની સાથે અદાલતના આદેશથી નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરાને સી.બી.આઈ. તેમજ ઈ.ડી. સહિતના તમામ ફોજદારી કેસોમાંથી આપમેળે ક્લીનચીટ મળી જાય છે. ગુજરાતી ઉદ્યોગપતિ સાંડેસરા બંધુ ટૂંક સમયમાં ભારત પાછા ફરશે તેમ જાણવા મળ્યુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *