રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અંબરીષ ડેર દ્વારા દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ડેરની રાજુલા નગરપાલિકાના કાર્યકાળ, યુવા ભાજપના કાર્યકર તરીકેની સફર સહિત અનેક જૂની પળોને યાદ કરીને ઉજ્જવળ ભવિષ્યની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા.
અંબરીષ ડેરે પ્રધાનમંત્રી સાથે આ શુભેચ્છા મુલાકાતના ફોટા ફેસબુક પેજ પર પોસ્ટ કર્યા હતા. હાલ તો અંબરીષ ડેરના ચાહકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ડેરના ચાહકોએ સોશિયલ મીડિયા મારફતે પોતાના એકાઉન્ટ પર પીએમ સાથેની પોસ્ટ પણ મૂકી હતી. અંબરીષ ડેરની પ્રધાનમંત્રી સાથે મુલાકાતને લઈ રાજકીય માહોલ ગરમાયો છે અને અનેક તર્કવિતર્કો સર્જાયા છે.