અમદાવાદમાં મધરાત્રે ઘરની અંદર ગેસનો બાટલો બ્લાસ્ટ થતા આખું ઘર ભડકે બળ્યું હતું. ઘરની અંદર રહેલા બે યુવક જીવતા ભૂંજાયા હતા. જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારો પણ ધ્રુજી ઉઠ્યા હતા.
મળતી માહિતી મુજબ, અમદાવાદના નારોલમાં શાહવાડી વિસ્તારમાં આવેલા કર્ણાવતી નગરમાં 13 ડિસેમ્બરે રાતે એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી.
પહેલા માળે મકાનમાં ગેસ લીકેજ થવાના કારણે આગ વિકરાળ બની હતી. જેને લઈને ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.
ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જતાં 19 અને 22 વર્ષીય બે યુવકના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમાં એક 42 વર્ષીય મહિલા પણ છે જેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનાને લઈને પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ, ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.