શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે અને શહેરના રસ્તાઓ રક્તરંજિત થઈ રહ્યા છે, ત્યારે આવો જ વધુ એક ગમખ્વાર અકસ્માત આજે વહેલી સવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સર્જાયો હતો, જ્યાં કાર અને એક્ટિવાની ટક્કરે એક્ટિવા ચાલક યુવકનું મોત નીપજ્યું છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં સ્થિત લાડલી શોરૂમ પાસે આજે વહેલી સવારે આ ગંભીર અકસ્માત સર્જાયો છે. એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રસ્તા પર પસાર થતા એક્ટિવા ટૂ-વ્હિલર સ્કૂટરને અડફેટે લેતા રોડ પર કરુણ દૃશ્યો સર્જાયા હતા.
વહેલી સવારે કાર અને એક્ટિવા વચ્ચે થયેલા આ અકસ્માતમાં બંને વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં એક્ટિવા ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. આ સમયે રોડ આખો રક્તરંજિત થઈ ગયો હતો અને રસ્તા પર ચારેય બાજુ લોહી અને માસના લોચે લોચા ફેલાયા હતા. જેને જોવા માટે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો.
બાદમાં અકસ્માતની જાણ થતા જ ઘટનાસ્થળે ટ્રાફિક જવાનો અને પોલીસ પહોંચી ગઈ હતી અને આખો મામલો કાબૂમાં લીધો હતો, ત્યારે તપાસ એક્ટિવા ચાલક યુવકના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. હાલ આ અકસ્માત સર્જનાર કારચાલક અંગે કોઈ સત્વર માહિતી સામે આવી નથી, પરંતુ આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.