ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં પણ કેટલીક જગ્યાઓ પર ચોરી છૂપીથી દારૂનું વેચાણ થાય છે. ઘણી વાર એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, નશાની હાલમાં ડ્રાઈવર વાહન ચલાવતો હોવાના અકસ્માત થયો હોય. ભૂતકાળમાં દારૂના કારણે હત્યા જેવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. લોકોને દારૂના નશાથી દૂર રાખવા માટે સરકાર દ્વારા પણ ઘણા પ્રયાસો કરવામાં આવે છે અને નશાબંધી વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત પોલીસ પણ દારૂડિયાઓને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી છે. આતો સરકારની વાત થઇ પરંતુ ગુજરાતનું એક ગામડું એવું છે કે, તે ગામમાં દારૂ પીને ગામમાં નીકળતા લોકોને ગામના લોકો દ્વારા જ સજા કરવામાં આવે છે. આ ગામનું નામ છે, મોતીપુરા ગામ અને તે સાણંદ તાલુકામાં આવેલું છે. મોતીપુરા ગામના લોકોએ દારૂબંધીના મોટા-મોટા સ્લોગલો બોલવા કે, પ્રચાર કરવાના બદલે દારૂડિયાઓને સીધા કરવાનો અનોખો ઉપાય અપનાવ્યો છે. ગામના લોકો દ્વારા એક મોટું પાંજરું બનાવવામાં આવ્યું અને પાંજરાને ગામના ચોકમાં રાખવામાં આવ્યું છે. ગામ લોકોએ આ પાંજરાનું નામ મોતીપુરા જેલ આપ્યું છે.
જે લોકો દારૂના નશામાં ગામ રખડતા દેખતા તેમને આ પાંજરામાં પૂરી દેવામાં આવે અને દારૂડિયા પાસેથી દંડ પેટે 1,200 રૂપિયાની વસુલાત કરવામાં આવે છે. દંડની જે પણ રકમ એકઠી થાય છે, તેનો ઉપયોગ ધાર્મિક, સામાજિક કાર્યમાં અથવા તો ગામના વિકાસ માટે થાય છે. ગામના સરપંચે જણાવ્યું હતું, વડવાઓ પહેલાથી દારૂના નશામાં ડૂબતા આવ્યા છે, એટલે ગામમાં દારૂબંધી કરવા માટે અમારા ગામના લોકોએ સાથે મળીને એક નિયમ બનાવ્યો છે અને તેમાં દારૂડિયાને સજા કરીને તેની પાસેથી 1200 રૂપિયાના દંડની રકમની વસુલાત કરવામાં આવે છે.