શું રાજકોટના પોલીસ સ્ટેશનમાં પોલીસ જ સુરક્ષિત નથી? રાજકોટ શહેર પોલીસ માટે શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં લુખ્ખા તત્વોના આતંકનો ભોગ ખુદ પોલીસ કર્મચારીઓ બન્યા છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં એક આરોપીના ધમાલ અને હુમલાથી બચવા માટે PSI સહિતના પોલીસ સ્ટાફને ઇન્વેસ્ટિગેશન રૂમનો દરવાજો બંધ કરીને સંતાવવું પડ્યું હતું.
નશાની હાલતમાં આરોપીનો આતંક
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રોજ અરજીના કામે પ્રદ્યુમન નગર પોલીસે સાદાન ડોસાની નામના શખ્સને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. PSI કે.કે. ચાવડા આ શખ્સનું નિવેદન લખી રહ્યા હતા તે દરમિયાન આરોપી સાદાન ડોસાનીએ નશાની હાલતમાં બેફામ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.
સાદાને PSI ચાવડાને ધમકાવતા કહ્યું કે, “હું જેલમાં જઈને આવ્યો છું, મને પોલીસની બીક નથી.” આટલું કહીને તેણે દીવાલ સાથે માથું પછાડવાનું શરૂ કરી દીધું હતું અને પોલીસ સ્ટાફ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
PSI સહિતના સ્ટાફને સંતાવાનો વારો આવ્યો
આરોપીની ગાળાગાળી અને હુમલાથી બતવા માટે PSI કે.કે. ચાવડા સહિત પોલીસ સ્ટેશનના સ્ટાફને તાત્કાલિક ઇન્વેસ્ટિગેશન રૂમના દરવાજા બંધ કરીને અંદર સંતાઈ જવાનો વારો આવ્યો હતો. થોડા સમય માટે સાદાન અને તેની સાથે રહેલા તેના પિતાએ જાણે આખું પોલીસ સ્ટેશન બાનમાં લીધું હોય તેવો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
આ સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસે આરોપી સાદાન ડોસાની અને તેના પિતા વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.