ગુજરાતમાં આરોગ્ય વિભાગે લેબોરેટરી ટેક્નિશિયન વર્ગ-3ના પગારમાં કાપ મૂકવાનું નક્કી કર્યું છે. સરકારી મેડિકલ કોલેજથી માંડીને પંચાયત-શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત લેબ ટેક્નિશિયનના પગાર ધોરણમાં સુધારો કરાયો છે. એકસૂત્રતાના નામે લેબ ટેક્નિશિયનના પગારમાં રૂ. 10 હજાર સુધીનો ઘટાડો કર્યો છે. આરોગ્ય વિભાગે 4200 ગ્રેડ પે ઘટાડીને 2800 ગ્રેડ પે કરાયો છે.
આમ નવી ભરતીના બહાને ઓછું વેતન આપવાની સરકારની નીતિ ખુલ્લી પડી છે.
લેબ ટેક્નિશિયનના પગારમાં ઘટાડો
ગુજરાત સરકારે લેબ ટેક્નિશિયન (વર્ગ-3) માટે સાતમા પગાર પંચ મુજબ પગારના ધારાધોરણ બદલ્યાં છે. પહેલાં લેવલ-6 મુજબ રૂ. 35,400, રૂ. 1,12,400 હતુ તે સુધારીને લેવલ-5 મુજબ રૂ. 29,200-રૂ.92 હજાર કરાયું છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં કામ કરતાં લેબ ટેક્નિશિયનને રૂ. 49,700 પગાર મળતો હતો પણ હવે રૂ. 39,500થી સંતોષ માનવો પડશે. રાજ્ય આરોગ્ય વિભાગની દલીલ છે કે, લેબ ટેક્નિશિયન તરીકે કામ કરતાં કર્મચારીઓના પગાર ધોરણમાં એકસૂત્રતા જળવાય તે માટે પગાર ધોરણ સુધારવામાં આવ્યાં છે. નવી ભરતીમાં સુધારાયેલાં પગારધોરણ અમલી બનશે.
નવી ભરતીમાં નવા પગાર ધોરણ
થોડાક વખત અગાઉ જ પંચાયત કેડરના લેબ ટેક્નિશિયનોએ રૂ. 4200 ગ્રેડ પેની માંગણી સાથે આંદોલન કર્યુ હતુ પણ તે વખતે કોણીએ ગોળ ચોટાડાયો હતો. જોકે, હવે સરકારે પગાર ઘટાડો કરીને વેર વાળ્યુ હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જે લેબ ટેક્નિશિયન કાર્યરત છે તેમને નવા ધોરણો લાગુ નહીં પડે પણ નવી ભરતીમાં નવા પગાર ધોરણ અમલી બનશે. ત્યારે સવાલ ઉઠ્યો છે કે, એક જ કામ માટે અલગ અલગ પગાર ધોરણ કેમ? આ જોતાં સમાન કામ-સમાન વેતનની વાત સરકાર જ ભૂલી ગઈ છે. ટૂંકમાં, ઓછા પગારે લેબ ટેક્નિશિયનની ભરતી કરવા ધારાધોરણો સુધારવાનું ત્રાગુ રચ્યું છે.