મહિલાઓ માટે ખાસ સુરક્ષા ડ્રાઇવ, ‘હિંસા મુક્ત’ માહોલ માટે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું મેગા ઓપરેશન

Spread the love

 

અમદાવાદ શહેરમાં મહિલાઓ સામે થતા હિંસા, છેડછાડ, શોષણ તથા અન્ય ગુનાઓને અટકાવવાના હેતુસર અને કડક કાનૂની કાર્યવાહી સાથે સામાજિક જાગૃતિ ફેલાવીને મહિલાઓને સુરક્ષિત અનુભવ કરાવવા માટે ડિસેમ્બર મહિના દરમિયાન મહિલા સેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવમાં અશ્લીલ હરકત અને અયોગ્ય વર્તન બદલ 44 ગુના અને ફેન્સી નંબર પ્લેટના 70 ગુના નોંધવામાં આવ્યા છે.
આ વિશેષ ડ્રાઇવના ભાગરૂપે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક ચેક પોઇન્ટો ઉભા કરવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ અસામાજિક તત્વો અને અશ્લીલ તથા અયોગ્ય વર્તનમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીથી જાહેર સ્થળોએ શિસ્ત અને કાયદાનો ભય જળવાઈ રહે તેવો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
ડ્રાઇવ દરમિયાન ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 270 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 110 અને 117 હેઠળ કુલ 44 ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને સંબંધિત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન 70 કરતાં વધુ શંકાસ્પદ ફેન્સી વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બને અને શહેરમાં જાહેર વ્યવસ્થા સુદૃઢ રહે તે માટે આ વિશેષ ડ્રાઇવ આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *