
સુરતની સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક જૂના હત્યાના કેસમાં છેલ્લા નવ વર્ષથી પેરોલ જમ્પ કરીને ભાગતા ફરતા આજીવન કેદના આરોપી પતિને ઝડપી પાડવામાં સચિન પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ‘ઓપરેશન કારાવાસ’ હાથ ધરીને હત્યારા પતિને હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતેથી સ્થાનિક રહેવાસીનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો હતો. ઘટનાની વિગત એવી છે કે, સચિન પોલીસ સ્ટેશનમાં 2007માં પત્નીની હત્યાનો એક કેસ નોંધાયો હતો, જેમાં હત્યારા પતિ સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્મા (ઉં.વ. 42, મૂળ રહે. બ્યોહરા, ચિત્રકુટ, યુ.પી.)ને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ આરોપી 2016માં પેરોલ પર છૂટ્યા બાદ ફરી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. સચિન પોલીસે ફરાર આરોપી સુરેન્દ્રનું પગેરું મેળવવા માટે ખાસ ઓપરેશન કારાવાસ શરૂ કર્યું હતું. આ અંતર્ગત પોલીસ ટીમ સૌપ્રથમ સુરેન્દ્રના વતન ચિત્રકુટ ખાતે પહોંચી હતી. જોકે, પોલીસથી બચવા માટે સુરેન્દ્રએ પોતાના માતા-પિતા, ભાઈ સહિત પરિવારના તમામ સભ્યો સાથે સંપર્ક કાપી નાંખ્યો હતો. પરિવારજનોએ પણ તે ક્યાં રહે છે કે શું કરે છે તેનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તપાસનો દોર આગળ વધારતા, અગાઉ સુરેન્દ્ર રિક્ષા ચલાવતો હોવાથી ચિત્રકુટના કર્વી તાલુકામાં રિક્ષા સ્ટેન્ડ પર તેનો ફોટો બતાવી શોધખોળ કરી હતી. આ દરમિયાન એક રિક્ષાચાલક પાસેથી માહિતી મળી કે, તે છ મહિના પહેલાં તેના સાળાના લગ્નમાં શંકરગંજ આવ્યો હતો અને બીજા લગ્ન પણ કરી લીધા છે. ઉપરાંત, તે અગાઉ નવી દુનિયા બનકટ ખાતે ભાડુઆત તરીકે રહેતો હતો. પોલીસે ત્યાં પણ દરોડા પાડ્યા હતા, પરંતુ સુરેન્દ્રનો પત્તો મળ્યો નહોતો. આખરે, પોલીસને માહિતી મળી કે આરોપી સુરેન્દ્ર હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતે મજૂરી કરે છે અને ત્યાં જ છુપાયેલો છે. આ માહિતીના આધારે, સચિન પોલીસની ટીમે ગુરુગ્રામ પહોંચીને સ્થાનિક રહેવાસીઓનો વેશ ધારણ કર્યો. પોલીસે આઠ કલાક સુધી ઘાટા ગામમાં ધામા નાખ્યા હતા અને ચોક્કસ માહિતી મળતા જ તેને ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્ર જ્યારે પોતાના પુત્રને બિસ્કિટ લેવા દુકાને જઈ રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ નવ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.