શહેરના ખટોદરા વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક બિલ્ડિંગના 14મા માળેથી માતા-પુત્રએ મોતની છલાંગ લગાવતા 5 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે, ત્યારે આ ગંભીર ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
14મા માળેથી મોતની છલાંગ
મળતી માહિતી મુજબ, આ ઘટના સુરત ખટોદરાના ભટાર વિસ્તારમાં આવેલ સુમન અમૃત આવાસ ખાતે બની છે, જ્યાં સુમન અમૃત આવાસના બિલ્ડિંગના 14મી માળેથી એક મહિલા પોતાના 5 વર્ષના પુત્ર સાથે નીચે પટકાઈ હતી. જેથી ભારે ઊંચાઈ પરથી પડતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં જ સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે રહેવાસીઓ તાત્કાલિક દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. જે બાદ ખટોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી, સાથે જ 5 વર્ષીય બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
ખટોદરા પોલીસ દ્વારા તપાસ આરંભી
હાલ આ મામલે ખટોદરા પોલીસે અકસ્માત મોત (ADR)ની કાર્યવાહી હાથ ધરી છે. આ માટે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ તથા સોસાયટીના રહેવાસીઓ અને વોચમેનની પૂછપરછ કરાવાઈ રહી છે, સાથે જ હોસ્પિટલમાં સારવાર હેઠળ મહિલાનું નિવેદન લેવા તૈયારી દર્શાવી પોલીસ તપાસ આગળ વધારી રહી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આ આપઘાતનો પ્રયાસ ઘરેલુ કલેશ, માનસિક તણાવ કે અન્ય કોઈ કારણસર થયો હતો કે કેમ.
માતા-પુત્રની ઓળખ હજુ રહસ્ય
હાલની માહિતી મુજબ, માતા-પુત્રની મોતની છલાંગ લગાવવા પાછળનું કોઈ ખાસ કારણ સામે આવ્યું નથી. સૌથી મોટું રહસ્ય એ છે કે માતા અને પુત્રની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મહિલા અને બાળક અન્ય વિસ્તારમાંથી સુમન આવાસમાં આવ્યા હતા, પરંતુ તેઓ ત્યાં કોના ઘરે આવ્યા હતા અથવા તેમનો હેતુ શું હતો તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.
હાલ 14 માળેથી નીચે પટકાતા નિર્દોષ 5 વર્ષના બાળકના મોતથી સમગ્ર સુરત શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. માતા દ્વારા પોતાના બાળક સાથે આવું અતિશય પગલું ભરવામાં આવ્યું હોવાની શંકા માનવીય સંવેદનાઓને ઝંઝોળી નાખે તેવી છે. આ મામલે ખટોદરા પોલીસનું કહેવું છે કે, “મહિલાની હાલત સ્થિર થયા બાદ તેનું નિવેદન લેવામાં આવશે. તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને સત્ય બહાર લાવવામાં આવશે.”