ગુજરાતની તમામ જિલ્લા અદાલતોમાં કાગળનો બચાવ કરવા અને વહીવટી પ્રક્રિયામાં સુગમતા લાવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સંજય ડી. સુથાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર અનુસાર, હવે તમામ પ્રકારના દાવાઓ, અરજીઓ, સોગંદનામા અને અન્ય દસ્તાવેજો માટે A4 સાઈઝના કાગળનો ઉપયોગ કરવાનો રહેશે અને તેમાં કાગળની બંને બાજુ પ્રિન્ટિંગ કરવાનું રહેશે.
આ નવો નિયમ 1 જાન્યુઆરી, 2026 થી સમગ્ર રાજ્યની જિલ્લા ન્યાયપાલિકામાં અમલી બનશે. હાઈકોર્ટની ‘રૂલ્સ કમિટી’ની ભલામણને આધારે મુખ્ય ન્યાયાધીશ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે, જે અગાઉના 28 ઓક્ટોબર 2025ના પરિપત્રનું સ્થાન લેશે. નવા નિયમો મુજબ, વપરાશમાં લેવાતો અ4 સાઈઝનો કાગળ ઉચ્ચ ગુણવત્તાનો અને ઓછામાં ઓછા 75 GSM નો હોવો જોઈએ.
દસ્તાવેજોના ફોર્મેટિંગ માટે પણ ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગુજરાતી લખાણ માટે ‘લોહિત ગુજરાતી’, ‘નોટો સાન્સ ગુજરાતી’ અથવા ‘નોટો સેરીફ ગુજરાતી’ ફોન્ટ અને 13ની સાઈઝ રાખવાની રહેશે.
જ્યારે અંગ્રેજી લખાણ માટે ‘ટાઈમ્સ ન્યુ રોમન’ ફોન્ટ અને 14ની સાઈઝ રાખવી ફરજિયાત છે. લખાણમાં લાઈન સ્પેસિંગ 1.5 રાખવાનું રહેશે, જોકે અવતરણો માટે સિંગલ સ્પેસિંગ અને 12ની ફોન્ટ સાઈઝ રાખવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, કાગળની ડાબી અને જમણી બાજુ 4 સેમી તેમજ ઉપર અને નીચે 2 સેમીનું માર્જિન રાખવાનું રહેશે.
આ પરિપત્રની નકલ અમદાવાદની સિટી સિવિલ કોર્ટ, તમામ જિલ્લા અદાલતો, ફેમિલી કોર્ટ, ઇન્ડસ્ટ્રિયલ કોર્ટ અને સ્મોલ કોઝ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પાલન અર્થે મોકલી આપવામાં આવી છે.
સુરત જિલ્લામાં પણ એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા તમામ ન્યાયિક અધિકારીઓ અને બાર એસોસિએશનને આ અંગે જાણ કરી દેવામાં આવી છે, જેથી વકીલો અને પક્ષકારો નવા વર્ષથી આ ફેરફાર મુજબ તૈયારી કરી શકે.