
ગત 4 ડિસેમ્બર, 2025ના રોજ અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમને જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજમાં તિરાડ પડી હતી. ત્યાર બાદ 25 ડિસેમ્બર સુધી બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાતોની એજન્સીઓ પાસે કરાવેલો રિપોર્ટ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો. એને લઈને આજે હાલના બ્રિજનું આખું સુપરસ્ટ્રક્ચર તોડવાનું તેમજ બન્ને બાજુ બે-બે લેન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સોમવારે આ બ્રિજ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજ્ય સરકારની મદદ લેવામાં આવી છે અને તેમનો સપોર્ટ મળ્યો છે. આ બ્રિજ આઇકોનિક ઊભો થાય તેના માટે પ્રયાસ છે. બ્રિજના તમામ સુપર સ્ટ્રકચરને તોડી પાડવામાં આવશે. બ્રિજના પિલ્લરને તોડવામાં નહી આવે માત્ર તેને મજબૂત કરવામાં આવશે. જોકે આ રિસ્ટોરેશનની એટલે કે બ્રિજ તોડી સરખો કરવાની કામગીરી 9 મહિનામાં પૂરી કરવામાં આવશે. બ્રિજ માટે નવા 7 પિલ્લર ઊભા કરવામાં આવશે. આમ બ્રિજ 9 મહિના બંધ રહેશે. પછી વચ્ચેનો બ્રિજ ચાલુ કરી દેશે અને આજુબાજુમાં પછી બે લેન બનશે. વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિક માગ અને લાંબા ગાળાની ઉપયોગિતા ધ્યાનમાં રાખીને સાબરમતી નદી પર આવેલા સુભાષબ્રિજના રીસ્ટોરેશન તથા હાલના બ્રિજની બન્ને બાજુ નવા 2-2 લેનના બ્રિજના બે ફેઝમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે સુભાષબ્રિજ રાણીપ અને શાહીબાગ વિસ્તારોને જોડતો એક મહત્વપૂર્ણ બ્રિજ છે. વર્ષ 1973માં નિર્મિત આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો. બ્રિજને થયેલા નુકસાન અંગે એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટ્સ ઉપરાંત IIT રૂડકી અને SVNIT સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી હતી. નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે શહેરમાં વધતી ટ્રાફિકની માગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી, હાલના બ્રિજની બન્ને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂ. 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી EPC મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે. જેના માટે 9 મહિના માટે બ્રિજ બંધ કરવામાં આવશે. 9 મહિનામાં બ્રિજની રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ કરી બ્રિજને તમામ વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે.
4 ડિસેમ્બરના રોજ આ બ્રિજમાં ખામી જણાતાં બંધ કરાયો હતો. 20 દિવસમાં અલગ અલગ નિષ્ણાંતો પાસે ઇન્સ્પેકશન અને કમિટી નીમી હતી. જે કમિટીના રિપોર્ટના આધારે આ બ્રિજનું રિસ્ટોરેશન અને નવો બ્રિજ બનશે. આખું સુપર સ્ટ્રકચર તોડી અને નવો બનાવવામાં આવશે. સુભાષબ્રિજ 52 વર્ષ જૂનો છે. આ રિસ્ટોરેશન 9 મહિનામાં પૂરું કરવામાં આવશે અને નવા 2 લેન આગામી 2 વર્ષમાં બનાવવામાં આવશે. અગાઉ સુભાષબ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે. બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેક્નોલોજી અને ટ્રાફિકના વધતા ભારણને કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે.
ગઈ 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. એ બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષબ્રિજનું ડિજિટલ સર્વે કરાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જર્મન ટેકનોલોજીની મદદથી ડિજિટલ સર્વે કરવાની શરૂઆત કરવામાં આવી છે. સુભાષબ્રિજના સ્પાન, પિલર અને તમામ ભાગોનો ડિજિટલ સર્વે કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાત એજન્સી પાસે ડિજિટલ સર્વે કરાવવામાં આવી રહ્યો છે, જેમાં આખા સુભાષબ્રિજમાં ક્યાં, શું ખામી છે એની સંપૂર્ણપણે માહિતી આ સર્વે દ્વારા જાણવા મળશે. અંદાજે એક અઠવાડિયામાં આ અંગેની પણ જાણકારી મળી જશે. જર્મન ટેક્નોલોજીની મદદથી ડિજિટલ સર્વે કરવામાં આવશે, જેમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, 3D મેપ સાથે આ સમગ્ર સર્વે થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવેલા ત્રણેય વિકલ્પમાં તંત્રને સૌથી સારો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે, કેમ કે સુભાષબ્રિજ જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને આયુષ્ય 50 વર્ષનું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ડિઝાઈન પણ નવા જમાનાના ટ્રાફિકને અનુરૂપ નથી. આવી સ્થિતિમાં રિપેરિંગ કરવા કરતાં સુભાષબ્રિજને હવે મોટો અને પહોળો બનાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને ભાજપના સત્તાધીશો મોરબી અને ગંભીરા દુર્ઘટના બાદ બ્રિજમાં કોઇ દુર્ઘટના સર્જાય નહીં એ માટે સુભાષબ્રિજને પણ રિપેર કરાવવાનું જોખમ કે જવાબદારી લેવા તૈયાર નથી. એની જગ્યાએ નવો અને હયાત જગ્યાનો ઉપયોગ કરીને ફોરલેન સુભાષબ્રિજ બનાવવામાં આવે આવી શકે છે.