
દેશનું મેટ્રો પોલિટન સિટી અને હવે વૈશ્વિક ઓળખ બની ગયેલું અમદાવાદ શહેર દિન-પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આગામી સમયમાં વિશ્વનાં અન્ય શહેરો જેવું નિર્માણ થશે. આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ રિયલ એસ્ટેટમાં ખૂબ મોટી તેજી આવે એવી સંભાવના ડેવલપર્સ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ભાટ, કરાઈ અને અમદાવાદની ફરતે બનનારા નવા રિંગરોડ વિસ્તારમાં નવા પ્રોજેક્ટ આવશે. આગામી 10 વર્ષમાં મકાનની કિંમત બે ગણી વધવાની શક્યતા ડેવલપર્સે વ્યક્ત કરી છે. ક્રેડાઈ (CREDAI) અમદાવાદના સેક્રેટરી અંકુર દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લાં 10 વર્ષમાં રિયલ એસ્ટેટનું માર્કેટ 50થી 60 ટકા જેટલું વધ્યું છે. વર્ષ 2016માં જે મકાન 40થી 45 લાખ રૂપિયામાં વેચ્યાં એેને આજે રૂપિયા 70 લાખમાં વેચીએ છીએ, જેથી 65 ટકા જેટલો જે વધારો થયો છે.
અમદાવાદમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી શહેરના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, કરાઈમાં સ્પોર્ટ્સ એકેડમી તેમજ પશ્ચિમ અમદાવાદમાં સ્પોર્ટ એરેના બની રહ્યું છે. એનાથી અમદાવાદ શહેર દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ તરફ આગળ વધતાં જમીનના ભાવો પણ વધી રહ્યા છે. જમીનના ભાવો વધે છે, જેની સાથે મકાનોની પણ ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે. મુંબઈમાં જે રીતે વિકાસ થયો છે અને મુંબઈમાં જો 50 લાખનું મકાન લેવું હોય તો એક સપનું છે એવી રીતે અમદાવાદમાં પણ જ્યારે એક કરોડની જનસંખ્યા થઈ જશે ત્યારે મકાનો એટલાં બનાવવાં અને એેને પૂરાં પાડવા ખૂબ જ અઘરાં થઈ જાય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરીએ ત્યારે લોન્ચ કાર્યથી લઈને બનીને તૈયાર થાય એમાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગતો હોય છે, જે સમયગાળામાં માઇગ્રેશન પણ ખૂબ વધારે થયા છે, ત્યારે લોકોની મકાનની જરૂરિયાત અંગે ખ્યાલ આવતો નથી. આગામી 10 વર્ષ પછી મકાન લેવું લોકો માટે ખૂબ જ અઘરું થઈ જશે. જે મકાન અત્યારે 50 લાખ રૂપિયામાં મળી રહ્યું છે એ કદાચ 1 કરોડમાં મળશે. અત્યારે જે વ્યક્તિ મકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તેને ખૂબ જ ફાયદો થઈ શકે છે.
શહેરના રિયલ એસ્ટેટ ડેવલપર્સના સંગઠન ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ (પ્રોપર્ટી શો) યોજાશે. આ પ્રોપર્ટી શોમાં અમદાવાદ શહેર અને આજુબાજુના 400થી વધુ પ્રોજેક્ટસ રજૂ કરવામાં આવશે. આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખી 10 વર્ષમાં અમદાવાદ દુબઈ અને સિંગાપુર જેવું બનશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 જાન્યુઆરીના રોજ આ પ્રોપર્ટી શોનું ઉદઘાટન કરશે.
GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં અમદાવાદ તેમજ એની આસપાસના હાલના અને આગામી ગ્રોથ કોરિડોર્સના અગ્રણી 50થી વધુ ડેવલપર્સના 40થી વધુ અફોર્ડેબલ, પ્રીમિયમ અને હાઈ-એન્ડ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે, જેમાં કોમર્શિયલ, પ્લોટિંગ સ્કીમ્સ સહિતના વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ઉપરાંત આ પ્રોપર્ટી શોમાં નાણાકીય સંસ્થાઓ પણ ભાગ લેશે. જે સંભવિત ખરીદદારોને લોન તથા ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ અંગે માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.
ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વાસવાનીએ જણાવ્યું હતું કે 20મો GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ એવા સમયે યોજાઈ રહ્યો છે, જ્યારે અમદાવાદનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર નવી ગતિ અનુભવતું જોવા મળી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન તરીકે અમદાવાદની પસંદગી તથા 2036માં ઓલિમ્પિક્સ માટે બિડ કરવાની એની યોજના શહેરને વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાપિત કરશે. આ વિકાસથી મોટે પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે, નોંધપાત્ર રોકાણ થશે અને રહેણાક, વ્યાપારી તથા અન્ય ક્ષેત્રોમાં મજબૂત માગ ઊભી થશે, જેના પરિણામે અમદાવાદની લાંબા ગાળાની આર્થિક શક્યતાઓ વધુ મજબૂત બનશે. શહેરના વિકાસમાં ભાગ લેવા માટે પ્રોપર્ટી ઓલિમ્પિયાડ ખરીદદારો અને રોકાણકારો માટે સમયોચિત પ્લેટફોર્મ પૂરું પાડશે.