

સુરતના ચોક બજાર પોલીસ મથકે વર્ષ 2024માં હર્ષા નામની મહિલા સામે ગુન્હો નોંધાયો હતો. જેમાં તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેને જામીન આપવાનો ઇન્કાર કર્યો હતો. આરોપી મહિલા સામે મૃતક મહિલાની બહેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કેસને વિગતે જોતા મૃતક મહિલા અને આરોપી મહિલાના પતિ વચ્ચે છેલ્લા 24 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને એકબીજાને મળતા હતા. આથી આરોપી મહિલા મૃતક મહિલાના ઘરે ખુલાસો માંગવા ગઈ હતી. જ્યાં બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર બન્યો હતો અને આરોપી મહિલાએ મૃતક મહિલાના માથામાં ચીપિયાના ઘા માર્યા હતા. વળી ત્યારે ધક્કો મારતા મૃતક મહિલા નીચે પડી ગઈ હતી અને તેને માથામાં શેટી વાગતા તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપી મહિલાએ મૃતક મહિલાના ગળામાં નાયલોનની દોરી લપેટી હતી.
સુરતની સેશન્સ કોર્ટમાં આરોપી વતી રજૂઆત થઈ હતી કે મૃતક મહિલાના વર્ષ 2015 માં છુટાછેડા થયેલા હતા. વળી આરોપી મહિલાનો હત્યા કરવાનો કોઈ ઈરાદો ન હતો. જ્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે મૃતકના ગળાના ભાગે આરોપીએ મારી રાખવાના ઇરાદે નાયલોન દોરી લપેટી હતી. મહિલાના મૂવમેન્ટના CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા છે. સેશન્સ કોર્ટે મહિલાની જામીન અરજી નકારી દેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.હાઇકોર્ટમાં આરોપી વતી રજૂઆત કરવામાં આવી હતી કે મહિલા 28 ઓક્ટોબર, 2024થી જેલમાં છે. ટ્રાયલ શરૂ થઈ ચૂકી છે, પરંતુ કુલ 31 સાહેબો પૈકી થોડાક જ સાહેદો તપાસવામાં આવ્યા છે. ટ્રાયલ લાંબી ચાલે તેવી શક્યતા છે.
મહિલા ફક્ત તેના પતિ સાથેના આડ સંબંધોનો ખુલાસો પૂછવા ગઈ હતી. તે પોતાની સાથે કોઈ હથિયાર લઈને નહોતી ગઈ એટલે તેનો હત્યાનો કોઈ ઈરાદો ન હતો. બંને વચ્ચે ઉપગ્રહ બોલાચાલી થઈ હતી. પહેલા મૃતકે આરોપીને માર માર્યો હતો. જેને દૂર કરવાનો પ્રયત્ન કરતા મૃતક મહિલા નીચે પડી ગઈ હતી અને તેનું માથું ફર્નિચર સાથે અથડાતાં તેને બ્રેન હેમરેજ થતા તેનું મૃત્યુ થયું હતું. સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી મહિલાએ મૃતક મહિલાના માથામાં ચીપિયા માર્યા હતા. આમ તેનો બનાવમાં ગંભીર રોલ છે. કોર્ટે સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખીને આરોપી મહિલાની જામીન અરજી નકારી નાખી હતી.