
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આર્થિક સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોના નામે ખાતા ખોલાવી 10,000 કમિશન આપી આ ખાતાનો ઉપયોગ ગેમિંગ અને છેતરપિંડીના નાણાની હેરાફેરી કરતી ગેંગને ઝડપી પાડી છે. ક્રાઈમ બ્રાન્ચે યુવક અને યુવતીની ધરપકડ કરી છે. જ્યારે કુલ 23 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપીઓએ વાડજમાં મકાન ભાડે રાખી મસ મોટુ કૌભાંડ શરૂ કર્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વાડજમાં આવેલા સૌરાબજી એપાર્ટમેન્ટમાં એક યુવક અને યુવતી તેમના ઓળખીતા માણસો સાથે મળીને લોકોને આર્થિક લાભ આપવાની લાલચ આપી રહ્યાં છે. તેમના આધાર પુરાવા મેળવી અલગ-અલગ બેંકમાં ખાતા ખોલાવી અને અલગ અલગ નામની પેઢીઓ બનાવી તે બેંક ખાતામાં ગેમ્બલિંગ અને સાયબર ફ્રોડના નાણાની હેરાફેરી કરી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાડજમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન રોનીટ ભીંદા અને લીના ભાટિયા નામની યુવતી મળી આવ્યા હતા. આ બંને પાસેથી અલગ અલગ કંપનીના 16 મોબાઇલ ફોન, 11 બેંકની પાસબુક, 8 ચેકબુક, 162 ATM કાર્ડ, 41 સીમકાર્ડ, લેપટોપ, બોગસ પેઢીના રબર સ્ટેમ્પ અને MSMEના 19 સર્ટિફિકેટ મળી આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે પકડાયેલા બંને આરોપીઓ રિષભ જૈન નામના આરોપી સાથે મળીને મકાન ભાડે રાખી આર્થિક સામાન્ય વર્ગના અને જરૂરિયાતમંદ લોકોને ટાર્ગેટ કરીને તેમના ડોક્યુમેન્ટ મેળવી લેતા હતા. જેના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવતા અને કેટલાકના નામે બોગસ કંપની ઊભી કરી દેતા હતા. જે બાદ બેંકના એટીએમ કાર્ડ, ચેકબુક સહિતની કીટ મેળવીને 10,000 રૂપિયા કમિશન આપી સાયબર ફ્રોડ અને ગેમિંગના નાણાની હેરાફેરી કરતા હતા.
એટલું જ નહીં આરોપીઓએ તેમની બોગસ પેઢીમાં ખરીદ વેચાણ વ્યવહારના ખોટા બીલો પણ બનાવ્યા હતા અને રબર સ્ટેમ્પનો ઉપયોગ કરી સરકાર સાથે પણ છેતરપિંડી કરી હતી. આરોપીઓએ MSMEના 19 જેટલા સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા. સમગ્ર મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 23 આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.