
‘ભલે પધાર્યા’ કહી ઉત્સવપ્રિય ગુજરાતીઓ 2026ને આવકારવા થનગની રહ્યા છે. 2025ની ખરાબ યાદોને બાય બાય અને સારી યાદોને સંભારણા બનાવી 2026માં સાથે લઈ જવા માટે ગુજ્જુઓ તૈયાર છે. દરેક પ્રસંગ અને તહેવારને મોજથી માણતા આપણાં ગુજરાતીઓ નવું વર્ષ આવવાનું હોય ત્યારે કેમ બાકી રહી જાય.તો પછી…આ વર્ષે પણ ગરબા પ્રિય ગુજરાતીઓ ઈન્ટરનેશનલ ડીજેના તાલે વેસ્ટર્ન ડાન્સ મૂવ કરી ડોલશે ને નવા વર્ષને પાક્કી ગુજરાતની વાઈબ સાથે આવકારશે. ભારતના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદથી લઈ ડાયમંડ સિટી સુરત સુધી સંસ્કારી નગરી વડોદરાથી લઈ રંગીલા રાજકોટ સુધી ભારતના સૌથી લાંબા દરિયાકાંઠે જેમ પાણી હિલોળા મારે છે તેમ નવા વર્ષને આવકારવા દરેક ગુજરાતીઓના મનમાં ઉત્સાહ, ઉમંગ હિલોળા મારી રહ્યા છે.
ગુજરાતમાં સૌથી મોંઘા પાર્ટી પાસ અમદાવાદની ન્યુ ઈયર એવ 2026ના છે. જ્યાં 15 લોકોનું ગ્રુપ બેસી શકે તેવા પ્રીમિયમ ટેબલના પાસની કિંમત 5.90 લાખ રૂપિયા છે અને ત્યાં ભારતમાં ટોપ-3માં આવતા ડીજે ચેતસ પાર્ટી લવર્સને એન્જોય કરાવશે. તો રાજકોટ પણ નવા વર્ષને આવકારવા કંઇ પાછું નથી રહેવાનું. ત્યાં સૌથી મોંઘો પાસ ‘એબિઝા ફેસ્ટ’ પાર્ટીનો છે. જ્યાં 10 લોકોના સ્કાયડેક ટેબલનો ભાવ 1,15,191 રૂપિયા છે. આ પાર્ટીમાં યુક્રેનની ફેમસ DJ લેરા નોતા તેમજ DJ ટ્રાપેર્સ રાજકોટીયન્સને મોજ કરાવશે.
સુરતમાં સૌથી મોંઘો પાસ ‘ધ ફાઈનલ કોલ 4.0’નો છે. જ્યાં બિલિયોનર લોન્જમાં 6 લોકોના પ્રિમીયમ ટેબલના પાસનો ભાવ 19,999 રૂપિયા છે તો વડોદરામાં સૌથી મોંઘો પાસ ‘ફ્યુઝુન ફેસ્ટ’ પાર્ટીનો છે. જેમાં 5 લોકોના ગ્રુપની પાસની કિંમત 14,999 રૂપિયા છે, જેમાં ફૂડ અને ડ્રિંક સામેલ છે.
આવનારી કોમનવેલ્થનું યજમાન, વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટ, દુનિયાને સાદગી અને અહિંસાનો સંદેશ આપનાર ગાંધીઆશ્રમ જ્યાં આવેલો છે તે આપણું અમદાવાદ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં આજે દુનિયાના શહેરોને ઈર્ષ્યા કરાવવા રેડી છે. 199થી લઈને 5.90 લાખ રૂપિયા સુધીની કિંમતના પાસ તમામ વર્ગના લોકોને જલસો કરાવશે. અમદાવાદમાં એક, બે નહીં પણ 30થી પણ વધુ જગ્યાએ થર્ટી ફર્સ્ટની ગ્રાન્ડ પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે. અમદાવાદમાં સૌથી મોંઘો પાસ ન્યૂ ઈયર એવ 2026નો છે જે કલબ O7, શેલામાં યોજાશે. જ્યાં ભારતમાં ટોપ-3માં આવતા DJ ચેતસ પાર્ટી એનિમલ્સને એન્જોય કરાવશે. જ્યાં એક સાથે 15 લોકોનું ગ્રુપ બેસી શકે તેવું પ્રીમિયમ ટેબલ હશે જેની કિંમત 5.90 લાખ રૂપિયા છે. આવા બે ટેબલ સ્ટેજની પાછળના ભાગમાં હશે. જ્યાં પ્રિમીયમ ફૂડ અને ડ્રિંક પાર્ટીમાં રોનક લાવી દેશે. આ સાથે જ સનબર્ન, ટોમોરોલેન્ડ, ન્યૂ ઈયર એવ પાર્ટીમાં લોકો નવા વર્ષને આવકારશે. અમદાવાદમાં મોટાભાગની થર્ટી ફર્સ્ટની પાર્ટી પશ્ચિમ અમદાવાદમાં SP રિંગરોડની આસપાસ ફાર્મ-હોટેલમાં યોજાઈ રહી છે.