
ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ પહેલા વધુ એકવાર દારૂનો જથ્થો પકડાય છે. આ વખતે ગાંધીનગર શહેરમાં આવતા ધોળાકુવા વિસ્તારમાંથી દારૂ પકડાયો છે. પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ગામના મોટા ઠાકોર વાસમાં રહેતો સુનીલ ઉર્ફે ટેટી રણછોડજી ઠાકોર નામનો શખ્સ જોગણી માતાના મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યો છે.આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને દરોડો પાડતા વર્ણન મુજબનો શખ્સ ત્યાં હાજર મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા ખુલ્લી જગ્યામાં પડેલા એક પ્લાસ્ટિકના ટાંકાની પાછળ પુંઠાના બોક્સ છુપાવેલા જોવા મળ્યા હતા. આ બોક્સ ખોલીને જોતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 104 બોટલો મળી આવી હતી. જેમાં મેક ડોવેલ્સ નંબર-1, માસ્ટર બ્લેન્ડર્સ સિગ્નેચર વ્હીસ્કી અને ઓલ્ડ મોંક રમ જેવી બ્રાન્ડની નાની- મોટી બોટલોનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹65,000 આંકવામાં આવી છે.
આ દારૂના જથ્થા બાબતે પાસ કે પરમિટ માંગતા આરોપી પાસે કોઈ કાયદેસરના આધાર પુરાવા મળી આવ્યા નહોતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી સુનીલ ઉર્ફે ટેટી ઠાકોરની ધરપકડ કરી છે.